બોરસદ શહેર પોલીસે ટેન્કરમાં બીયરની ૧૪૩૨૮ ટીન છુપાવીને હેરાફેરી કરતો ચાલક ઝડપાયો
તારાપુર-વાસદ સીક્સ લેઈન હાઈવે ઉપર બોરસદના સિંગલાવ ગામના ઓવરબ્રિજ નજીકથી બોરસદ શહેર પોલીસે ટેન્કરમાં બીયરની થતી હેરાફેરી ઝડપી પાડી છે. પોલીેસ ટેન્કરના પાંચ ખાનામાં છુપાવીને લઈ જવાતા બીયરના ૧૪૩૨૮ ટીન સાથે ચાલકને ઝડપી પાડીને કુલ ચાર શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખળ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાત ઘરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ શહેર પોલીસની ટીમ બોરસદ નજીકથી પસાર થતા હાઈવે ઉપરથી બહારના રાજ્યમાંથી અન્ય જિલ્લાઓમાં વિદેશી દારૂ બિયરની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ટેન્કરના ખાનાઓમાં બીયરના બોક્સ ભરેલા છે અને તે ટેન્કર વાસદ તરફથી સૌરાષ્ટ્ર તરફ જનાર છે. જેના આધારે પોલીસની ટીમ તારાપુર-સિક્સ લેન હાઈવ પર સિંગલાવ ગામના ઓવરબ્રિજ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે ટેન્કર નંબર જીજે-૧૨, એટી-૬૮૫૩ની આવી પહોંચતા જ પોલીસે તેને શંકાના આધારે અટકાવી હતી. ચાલકને ઝડપી લઈ તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ પ્રભુલાલ ભવરલાલ અજારી સાલવી (રહે. દંતેલી, તા. માંડળ,જી. ભીલવાડા, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેન્કરમાં શું ભરેલ છે જે બાબતે પૂછપરછ કરતા કોઈ જ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી પોલીસ સીડી વાટે ટેન્કરની ઉપર ચઢી હતી અને ઢાંકણું ખોલીને જોતા પાંચ જેટલા ખાના નટબોલ્ટથી ફીટ કરેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે નટબોલ્ટ ખોલીને તપાસ કરતા અંદર બીયરની પેટીઓ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતુ.પોલીસે પકડાયેલા ડ્રાયવર પ્રભુલાલ પાસે વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેનું લાયસન્સ માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી ટેન્કરને પોલીસ મથકે લઈ જઈને તમામ ખાનાઓમાંથી બીયરનો જથ્થો નીચે ઉતારીને ગણતરી કરતા કુલ ૧૪૩૨૮ ટીન થવા પામ્યા હતા. જેની કિંમત ૧૨.૧૭ લાખ ઉપરાંતનો થવા જાય છે. પોલ્થ્ીસે મોબાઈલ ફોન અને ટેન્કર સાથે કુલ રૂા. ૧૭,૧૯,૮૮૦નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા પ્રભુલાલની પૂછપરછ કરતા રાજસ્થાનના મહાવીર નામના ઈસમે ગોવા જવાની સુચના આપતા તે ગત તારીખ ૧લી એપ્રીલના રોજ ગોવા પહોંચી ગયો હતો. જ્યાં મહાવીરનો માણસ આવીને ટેન્કર લઈ ગયો હતો અને રાત્રીના સુમારે બીયરની પેટીઓ ભરીને પરત આપી ગયો હતો. ત્યારબાદ મહાવીરે ગુજરાતના મોરબી જવાની અને ત્યાં પહોંચ્યા બાદ તે કહે ત્યાં ડીલીવરી આપવાનું જણાવ્યું હતુ. જેથી તે વાયા વાસદ થઈને મોરબી જવા નીકળ્યો હોવાની કબુલાત કરી હતી. આ કબૂલાતના આધારે બોરસદ શહેર પોલીસે મહાવીર તેમજ ગોવાથી બિયર ભરાવી આપનાર અને બિયરનો જથ્થો મંગાવનાર સહિત ચાર વિરૂદ્ઘ ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.