નવરાત્રીની આજે આઠમના દિવસે સવારથી અંબાજી ખાતે ભક્તોની ભીડ:બોલ મારી અંબે, જય જય અંબે’ ના નાદથી અંબાજી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું
આજે ચૈત્ર સુદ આઠમનો શુભ અવસર છે, ત્યારે પાવાગઢ મહાકાલી મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. મા મહાકાલીના પ્રાગટ્ય દિવસને લઇને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. પાવાગઢમાં નવરાત્રીની આઠમને લઇને વિશેષ હવન અને દર્શનનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે આઠમ તેમજ નવમીએ એક લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પાવાગઢ ડુંગર પર મા કાલિકાના દર્શન માટે વર્ષ દરમિયાન આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, આઠમનો હવન તથા જાહેર રજાઓ દરમિયાન ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો આવે છે.
રવિવારથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે પાવાગઢના તમામ જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં પગપાળા યાત્રાળુઓ જોવા મળ્યા હતા. મધરાતથી મંદિર પરિસર અને પગથિયા પર ભક્તો માતાજીના દર્શન માટે કલાકો સુધી ઉભા રહ્યા હતા. મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે ખુલતા માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠયું હતું.
આજે ચૈત્રી સુદ નવરાત્રીની આજે આઠમના દિવસે સવારથી અંબાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. અંબાજી આઠમ ભરવાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ‘બોલ મારી અંબે, જય જય અંબે’ ના નાદથી અંબાજી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રીને વધુ ફળદાયી માનવામાં આવી છે.
ચૈત્રિ નવરાત્રીમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રી પરમ શુભદાયી, ફળદાયી, પવિત્ર અવસર છે.શાસ્ત્રોમાં નવરાત્રીને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રીમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. આમ, સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રીમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધાળુઓ શક્તિની આરાધના કરવા ઇચ્છતા હોય તેમણે નવરાત્રીના ઉપવાસ રાખીને માતાજીની આરાધના કરવી જોઇએ.