વાહ! અમૂલની કમાણીમાં 11 ટકાનો વધારો ખરેખર જોરદાર છે! દૂધ હોય કે ચોકલેટ, બધી જ કેટેગરીમાં ધૂમ વેચાણ
GCMMF એ વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી સંસ્થા છે. ગુજરાતના 18,600 ગામડાઓમાં તેના 36 લાખ ખેડૂતો છે અને તેના 18 સભ્ય યુનિયનો દરરોજ 300 લાખ લિટર દૂધ ખરીદે છે. વધતી માંગને પહોંચી વળવા કંપની ક્ષમતા વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે.
Amul બ્રાન્ડ અંતર્ગત ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (Gujarat Cooperative Milk Marketing Federation – GCMMF)એ નાણાંકીય વર્ષ 2024-25માં તેના બિઝનેસમાં 11 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. તેની બધી જ પ્રોડક્ટ કેટેગરીમાં વોલ્યુમમાં વધારાને કારણે કંપનીનું ટર્નઓવર વધીને રૂ. 65,911 કરોડ થયું છે. સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ જાણકારી આપી હતી. નાણાંકીય વર્ષ 2023-24માં GCMMFનો બિઝનેસ 8 ટકા વધીને રૂ. 59,259 કરોડ થયો હતો.
મહેતાનું કહેવું છે કે, “નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન અમારું રેવન્યુ 11 ટકા વધીને રૂ. 65,911 કરોડ થયું છે. અમે તમામ પ્રોડક્ટ કેટેગરીમાં ડબલ ડિજિટ ગ્રોથ પ્રાપ્ત કર્યો છે.” GCMMF ખેડૂતોની માલિકીવાળી વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા છે. ગુજરાતના 18,600 ગામડાઓમાં તેના 36 લાખ ખેડૂતો છે અને તેના 18 સભ્ય સંઘ દરરોજ 300 લાખ લિટર દૂધ ખરીદે છે. આ 18 સભ્ય સંઘો GCMMF નેટવર્કનો ઉપયોગ કર્યા વિના સીધા જ તેમના સ્થાનિક બજારોમાં અમૂલ ડેરી પ્રોડક્ટ્સ વેચે છે.
ગત 2 ક્વાર્ટરમાં સારો ગ્રોથGCMMF અંગે વાત કરતા મહેતાએ કહ્યું કે નાણાંકીય વર્ષ 2024-25ના છેલ્લા બે ક્વાર્ટરમાં સારો ગ્રોથ નોંધાયો છે. બિઝનેસમાં ગ્રોથ મોટાભાગે વોલ્યુમમાં થયેલા ગ્રોથથી પ્રેરિત હતો. ભાવમાં બહુ વધારો કર્યો નથી. તેમણે કહ્યું કે, ગત વર્ષે જૂન મહિનામાં જ પ્રોડક્શન ખર્ચમાં વધારો થવાના કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં GCMMFએ ગ્રાહકોને મોટા પેક ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર ભારતમાં એક લિટર પેકના ભાવમાં 1 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. મહેતાને આશા છે કે મજબૂત ગ્રાહકો માંગથી વર્તમાન નાણાંકીય વર્ષ 2025-26માં ગ્રોથની સ્પીડ જળવાઈ રહેશે. કંપની વધતી ડિમાન્ડને પહોંચી વળવા ક્ષમતા વધારવાનું પણ ચાલુ રાખશે.
50 દેશોને GCMMF એક્સપોર્ટ કરે છે ડેરી પ્રોડક્ટ્સઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્ક (IFCN) અનુસાર, મિલ્ક પ્રોસેસિંગમાં GCMMF દુનિયાની ટોપ 20 ડેરી કંપનીઓમાં 8મા નંબરે છે. ડોમેસ્ટિક માર્કેટ ઉપરાંત GCMMF લગભગ 50 દેશોમાં ડેરી પ્રોડક્સ્ટને એક્સપોર્ટ કરે છે. ગત વર્ષે GCMMFએ ભારતીય પ્રવાસીઓ અને એશિયન વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તાજા દૂધના 4 વેરિએન્ટ લોન્ચ કરીને યુએસ માર્કેટમાં એન્ટ્રી કરી હતી.