ધારાસભ્ય પંકજ દેસાઈની વિધાનસભામાં મોટિ રજૂઆત: ₹80 કરોડના ફ્લાયઓવર સાથે મેડિકલ કોલેજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વીજ સમસ્યા અને પોલીસ સ્ટેશન મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ માંગ
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ વિધાનસભામાં નડિયાદના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રજૂઆત કરી છે. તેમણે નડિયાદ શહેરના દાંડી માર્ગ તરીકે ઓળખાતા સંતરામ રોડને મહાગુજરાત હોસ્પિટલ સર્કલ સુધી વિસ્તારીને ₹80 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવાની માગ ઉઠાવી છે. દરરોજ આશરે 25,000 લોકોની અવરજવર ધરાવતા આ રસ્તાને પહોળો કરવાનો વિકલ્પ ન હોવાને કારણે ફ્લાયઓવર જરૂરી હોવાનું જણાવ્યું છે.
પંકજ દેસાઈએ કણજરી અને વડતાલને ખેડા જિલ્લામાં GEB વિસ્તારમાં સામેલ કરવાની માંગણી પણ રાખી છે, જેથી વીજ સેવાઓ વધુ મજબૂત બને. સાથે સાથે વડતાલમાં નવું પોલીસ સ્ટેશન અને નડિયાદમાં DSP કચેરી માટે બિલ્ડિંગની માગણી પણ તેમણે સભામાં સ્પષ્ટપણે રજૂ કરી હતી.
તેમણે આરોગ્ય મંત્રાલય સમક્ષ નડિયાદની 400 બેડની સિવિલ હોસ્પિટલને આધારે નડિયાદમાં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાની પણ અપેક્ષા વ્યક્ત કરી છે.
રમતગમત ક્ષેત્રે પણ પંકજ દેસાઈએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, 14 એકરમાં પથરાયેલ સ્પોર્ટ્સ ઓથોરિટી ટ્રેનિંગ સેન્ટર હાલ ભરાઈ ગયેલું છે, તેથી સીટી જીમખાનાની ખાલી પડેલી જમીન પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની દરખાસ્ત આપી છે. ઉપરાંત, ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા માંગવામાં આવેલ ઈન્ડોર હોલ માટે ગ્રાન્ટ પણ રાજ્ય સરકાર આપે તેવી રજૂઆત કરી છે.
તેમણે નડિયાદ મહાનગરપાલિકા માટે ઓક્ટ્રોય ગ્રાન્ટ તેમજ નવી સિટી બસ સેવાની પણ માંગણી કરી છે.
અંતે, પંકજ દેસાઈએ ગુજરાત વીજ કંપની સામે વડતાલ અને કણજરીમાં વીજક્ષેપની સમસ્યાઓ અંગે તાત્કાલિક પગલાં લેવા તેમજ આ ગામોને આણંદના બદલે ખેડા ડિવિઝનમાં સામેલ કરવા અપીલ કરી છે.
જો સરકાર આ તમામ માંગણીઓનો સ્વીકાર કરે તો, નડિયાદ શહેરને નવી ઓળખ, ઝડપભર્યું વિકાસ અને મેટ્રોસ્તરની સુવિધાઓ મળી શકે છે, એવું ધારાસભ્યનું માનવું છે.