આણંદ જિલ્લાના ખેડૂત ખાતેદાર વિદેશ રહેતા હોય, ફિંગર પ્રિન્ટ આવતી ન હોય તેવા સંજોગોમાં ખેડૂતોને લાભ મળતો નથી
સરકારની ટેકાના ભાવે ખેત ઉપજની ખરીદીનો લાભ સરકારે જાહેર કરેલ વિધિ અને નિયમોના કારણે અનેક ખેડૂતો લઈ શકતા નથી. સાચા ખેડૂતો પણ સરકારની યોજનાનો લાભ મેળવવાથી વંચીત રઈ જતા હોઈ ખેડૂત આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતની ફિંગર પ્રિન્ટ નહિ આવવાનો લગભગ બે વર્ષ જૂનો પ્રશ્ન હોવા છતાં આણંદ પુરવઠા નિગમના ગોડાઉન મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખેડૂતોની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ ગયાની ખેડૂતોનો આક્ષેપ થઈ રહ્યો છે.આ અંગે આણંદ જિલ્લાના જાગૃત ખેડૂતો જણાવી રહ્યા છે કે એન.આર.આઈના વિસ્તાર તરીકે જાણીતા આણંદ જિલ્લામાં મોટાભાગના જમીનના મૂળ માલિકો વિદેશમાં રહે છે અને તેમની જમીન-માલ મિલ્કત તેમના વારસદારો, સગા કે નાના ખેડૂતોને કોઈ અવેજ લીધા વિના જીવન નિર્વાહ કરવા માટે ખેતી કરવા આવે છે. આવા વારસદાર ખેડૂતો કે નાના ખેડૂતો આ જમીનમાં ખેતી પાક પકવે છે તેઓને લઘુત્તમ ટેકાના ભાવે વેચાણનો લાભ મળતો નથી કારણ કે આવા વારસદારો કે ખેડૂતોનું નામ ૭/૧૨ જમીનના ઉતારામાં હોતું નથી. વળી ટેકાના ભાવે ખેત ઉપજનું વેચાણ કરવા માટે ખેડૂત રજિસ્ટ્રેશનની વિધિમાં ખેડૂત ખાતેદારનો અંગૂઠો આપવાનો હોય છે. ખેડૂત ખાતેદારો સિવાય અન્ય કાળા બજારીયાઓ આનો લાભ ન લે તે માટે અંગૂઠો પધ્ધતિ યોગ્ય છે. પરંતુ ખાતેદાર ખેડૂત વિદેશમાં રહેતો હોય અને તેની જમીનમાં તેનો પુત્ર, પુત્રી કે પત્ની ખેતી કરાવી ખેત ઉપજ મેળવતા હોય તો તેઓને સરકારની લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મળતો નથી. વળી કોઈ ખાતેદારનું અવશાન થયું હોય તેવા સંજોગોમાં ૭/૧૨ ના ઉતારામાં વારસદારનું નામ આવ્યું ન હોય તો કોનો અંગૂઠો આપવો તે ખેડૂતો માટે સમસ્યા બની છે. આવા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવના લાભ વંચિત રહી જાય છે.
પેટલાદ તાલુકાના મહેળાવ ગામ પંચાયતના વી.સી.એ. એક ખેડૂત ખાતેદારોનો અંગૂઠો નહિ આવતા વી.સી.એ. પેટલાદ ગોડાઉન ઉપર જઈને રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું હતું. પરંતુ પેટલાદ ગોડાઉન ઉપર ના કોમ્પ્યુટર ઓપરેટરે અમારી પાસે ફિંગર મશીન નથી અમો રજિસ્ટ્રેશન ન કરી શકીએ તેવો ખેડૂતને જવાબ આપતા ખેડૂતને પેટલાદનો ફેરો પડ્યો હતો.
આણંદ પુરવઠા નિગમના ગોડાઉન મેનેજરે આ અંગે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખેત ઉપજનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન માત્ર જેતે ગ્રામ પંચાયત વી.સી.જ કરી શકશે. ફિંગર પ્રિન્ટ ન આવતી હોય તેવા ખેડૂતોએ આધાર કાર્ડમાં ફિંગર પિન્ટ અપડેટ કરાવવાની રહેશે.