જીકાસ પોર્ટલમાં ફક્ત રજીસ્ટ્રેશન, એડમિશન નહીં: વિદ્યાર્થીઓ અટવાયા
ધો.૧ર સાયન્સ, કોમર્સનું તાજેતરમાં બોર્ડ પરીક્ષાના જાહેર થયેલ પરિણામમાં આણંદ જિલ્લામાંથી આશરે ૧૩ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ઉર્ત્તીણ થયા છે. જેથી હવે તેઓ કોલેજ પ્રવેશ માટે થનગનાટ અનુભવતા હોય તે સ્વાભાવિક છે. જેથી વિદ્યાર્થીઓ સાયન્સ, કોમર્સ, આર્ટસ સહિતના અભ્યાસક્રમોની કોલેજમાં પ્રવેશ મેળવવાની પ્રકિયા હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે સ.પ.યુનિ. સંલગj આણંદ, ખેડા જિલ્લામાં સાયન્સ,આર્ટસ, કોમર્સ સહિતની ૧૩પથી વધુ કોલેજો આવેલી છે.
પરંતુ ધો.૧રના પરિણામ જાહેર થયાને ૪-૪ દિવસ વિતવા છતાંયે રાજય શિક્ષણ વિભાગના જીકાસ પોર્ટલ ઉપર માત્ર રજીસ્ટ્રેશન જ કરવામાં આવી રહ્યું છે. મતલબ કે વિદ્યાર્થીને જે કોલેજમાં એડમિશન મેળવવું છે તેની સ્પષ્ટતા ઉપલબ્ધ નથી. ગત વર્ષ પણ જીકાસ પોર્ટલથી એડમીશન પ્રકિયામાં અનેક છબરડાં અને વારંવારના સુધારાના કારણે અનેકો વિદ્યાર્થીઓની સાથોસાથ તેમના વાલીઓને પણ દડમજલ ખેડવી પડી હતી. આ સ્થિતિ આ વર્ષ શરુઆતથી જ જોવા મળી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
હાલ ધો.૧ર પાસ કરનાર વિદ્યાર્થી જીકાસ પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે પરંતુ જયાં સુધી એડમિશન ઓનલાઇન ન થાય ત્યાં સુધી શું?ની પરેશાનીમાં વિદ્યાર્થીઓ મૂકાયા છે. મતલબ કે જીકાસ પોર્ટલ એડમિશન શરુ ન કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓની સાથોસાથ વાલીઓએ પણ રાહ જોવા સિવાય કોઇ આરો રહ્યો નથી. બીજી તરફ પોતાના દિકરા,દિકરીને નજીકની,ગામની કે અવરજવરમાં સરળતા રહે તેવા અંતરેની કોલેજમાં એડમિશન મળે તેવું વાલીઓ ઇચ્છતા હોય છે. અગાઉના વર્ષોમાં કોલેજો એડમિશન આપતી હોવાથી ઝાઝી દોડધામ કરવી પડતી નહતી. પરંતુ છેલ્લા બે વર્ષથી જીકાસ પોર્ટલના કારણે નાહકના ઉધામા વધ્યાની સ્થિતિ સર્જાઇ છે. વાસ્તવમાં ધો.૧રનું પરિણામ જાહેર થયા અગાઉ જ જીકાસ પોર્ટલને અપડેટ કરવા સાથે એડમિશન પ્રકિયા શરુ કરવાનું રાજય શિક્ષણ વિભાગે આયોજન કરવું જરુરી હતું. સરકારી તંત્રની આ નીતિના કારણે અનેક વિદ્યાર્થીઓ ખાનગી યુનિ.ની કોલેજોમાં એડમિશન લેવા મજબૂર બન્યાની સ્થિતિ પણ જોવા મળી રહી છે.
જીકાસ પોર્ટલની ડેમો બેઠક યોજાયા બાદ પ્રકિયા આરંભાશે : એકેડેમિક વિભાગ, સ.પ.યુનિ.
સ.પ.યુનિ.સંલગj આણંદ,ખેડા જિલ્લાની કોલેજોમાં એડમિશન મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ હાલ તો જીકાસ પોર્ટલ આધારિત છે. યુનિ.ના એકેડેમિક વિભાગના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજય શિક્ષણ વિભાગ દ્વારા આગામી ટૂંક સમયમાં જીકાસ પોર્ટલની ડેમો બેઠક યોજનાર હોવાનું જાણવા મળેલ છે. આ બેઠકમાં રજીસ્ટ્રેશન અને બાદમાં એડમિશન પ્રકિયા અંગે નિર્ણય લેવાશે. વધુમાં જણાવ્યંં હતું કે, આ વર્ષ યુનિ. દ્વારા પણ સાયન્સ, કોમર્સ સહિતની શરુ થનાર કોલેજો માટે પણ જીકાસ પોર્ટલ દ્વારા જ એડમિશન થશે.