આણંદ મનપાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં 2 વોટર પ્લાન્ટ ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા
અર્બન ગુજરાત દ્વારા કરાયેલા વિશેષ ઈન્ટરવ્યૂ બાદ આણંદ મહાનગરપાલિકા તત્કાળ હરકતમાં આવી
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ કરમસદ વેસ્ટ ઝોન સેનેટરી વિભાગ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર પાણીના જગ સપ્લાય કરતા બંને એકમ પર આકસ્મિક તપાસણી કરતા ઘણી ક્ષતિઓ જોવા મળી છે. જેમાં પાણીના ટાકા સફાઈ કરેલ ન હતા, પાણીના ટાંકામાં માટી જણાઈ આવી તેમજ ટાંકીમાં મચ્છર દેખાતા માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટરને આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત આ બંને એકમો પાસે ગુમાસ્તા ધારાનું લાઇસન્સ તેમજ પ્લાન્ટનું લાઇસન્સ ન હોવાથી આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીના જગ સપ્લાય કરતા એકમો તેમના પ્લાન્ટ ખાતે જરૂરી સ્વચ્છતા રાખે અને આવા એકમો પાસે પ્લાન્ટનું લાઇસન્સ પણ હોવું જરૂરી છે. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય અને સેનેટરી વિભાગની ટીમ દ્વારા આગામી દિવસોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આવા એકમો ખાતે ખાસ ઝુંબેશ સ્વરૂપે તપાસણી હાથ ધરાશે. તેની સબંધિતોને નોંધ લેવા આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સૂચના મુજબ જણાવાયું છે.
અર્બન ગુજરાતના રિપોર્ટથી મહાનગરપાલિકા સતર્ક
અર્બન ગુજરાત દ્વારા આ પાણી સપ્લાય એકમો અંગે કરાયેલા રિપોર્ટ બાદ, મહાનગરપાલિકાએ સ્વચ્છતા અને લાઈસન્સની ચકાસણી માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનું નક્કી કર્યું છે. આગામી દિવસોમાં આણંદ શહેરના તમામ પાણી સપ્લાય એકમોની તીવ્ર તપાસ હાથ ધરાશે અને નિયમોની અવગણના કરનારા સામે સખત પગલાં લેવામાં આવશે.
શહેરજનો માટે ચેતવણી:
કોઈપણ ચિલ્ડ વોટર અથવા પીવાના પાણીનું ખરીદી કરતા પહેલાં તેની ગુણવત્તા અને કંપનીનું લાઈસન્સ ચકાસવું અનિવાર્ય છે. મહાનગરપાલિકાએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ પણ શંકાસ્પદ પાણી સપ્લાય એકમ જોવા મળે, તો તાત્કાલિક પાલિકાને જાણ કરો.
