વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ રાજ્યસભામાં પણ મોડી રાતે લાંબી ચર્ચા પછી પાસ કરવામાં આવ્યું. આ બિલને લઈને દેશમાં વિવિધ રાજ્યોમાં વિરોધ દેખાવ થઈ રહ્યા છે. અમદાવાદમાં શુક્રવારની નમાજ બાદ મોટા પાયે વિરોધ પ્રદર્શન યોજાયું, જ્યાં પ્રદર્શનકારીઓએ આ બિલ વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા અને 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી. પ્રદર્શન દરમિયાન તણાવભર્યો માહોલ સર્જાયો, જો કે, પોલીસે સ્થિતિ કાબૂમાં રાખી.
અન્ય રાજ્યોમાં પણ વિરોધ
પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતા અને રાંચીમાં પણ વક્ફ બિલનો વિરોધ થયો. લોકો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો અને બિલ પાછું ખેંચી લેવા નારેબાજી કરી. રાંચીમાં જુમાની નમાજ બાદ અલ્પસંખ્યક સમુદાય (મુસ્લિમ)એ સંસદમાં પસાર થયેલા વક્ફ સુધારા બિલ વિરુદ્ધ ઝોરદાર વિરોધ કર્યો. એકરા મસ્જિદની બહાર પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઈ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને બિલમાં કરાયેલા ફેરફારોને તેમના અધિકારો પર હુમલો ગણાવ્યો.
બિહાર અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ
બિહારના જમુઈમાં રજા નગર ગૌસિયા મસ્જિદ બહાર મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દાને ઉઠાવવાની ચેતવણી પણ આપવામાં આવી. ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. લખનઉ, સંભલ, બહરાઇચ, મુરાદાબાદ, મુજફ્ફરનગર, સહારનપુર અને નોઇડામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા ડ્રોન અને સી.સી.ટી.વી. કેમેરાથી નજરી રાખવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર પણ કડક નજર
સંસદમાં વક્ફ સુધારા બિલ પસાર થયા બાદ હિંસાની શક્યતા જોતા નાગપુર પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે. હિંસક દ્રશ્યોવાળા વીડિયો અથવા અફવા ફેલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. યુપી પોલીસ પણ સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
લખનઉમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા
લખનઉમાં 61 હોટસ્પોટ્સ ચિહ્નિત કરી તેમને સંવેદનશીલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી વિરોધ પ્રદર્શન થવાની શક્યતા જોતા સુરક્ષા એજન્સીઓને સતર્ક રાખવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ ચેતવણી આપી છે કે કાયદો-વ્યવસ્થા ખોરવીને તણાવ સર્જનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
