આણંદ જિલ્લાના હડતાળમાં જોડાયેલા આરોગ્ય કર્મીઓની સુનાવણી પૂરી
આરોગ્ય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે પખવાડિયા અગાઉ રાજયવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અંદાજે ૪૯૮ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. જેના કારણે આરોગ્ય સેવાને અસર પહોંચી હતી. આ હડતાળ સામે સરકારે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી.
જેમાં આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હડતાળમાં જોડાયેલા તમામને નોટિસ અને ચાર્જશીટ આપવામાં આવી હતી.દરમ્યાન કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા. જયારે ૧૧૦ કર્મચારીઓને તે સમયે છુટા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હડતાળમાં જોડાયેલા કર્મચારીઓને ફરજ પર હાજર થવાની મુદ્દત આપવામાં આવી હતી. જો ક ખૂબ ઓછા કર્મીઓ ફરજ પર પાછા ફરવા સામે બાકીનાઓ સામે રાજયસ્તરેથી અપાયેલ સૂચના મુજબ સુનાવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે તમામ કર્મચારીઓની સુનાવણી પૂરી થયાનું જાણવા મળે છે. સુનાવણી દરમ્યાન હડતાળમાં જોડાયેલા કર્મચારીઓએ પોતાની સામેના આરોપ અંગે બચાવનામું જાહેર કર્યુ હતું. હવે આ મામલે રાજય તરફથી મળેલ સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું અંતર્ગત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.