ખંભાત દરિયામાં મોજાં ઊછળશે, 56 વર્ષ પછી દરિયો આવ્યો નજીક: નવા પરિવર્તનથી માછીમારોને મળ્યો ફાયદો
માર્ચ મહિનામાં લગભગ હોળી-ધુળેટી આસપાસ ખંભાતના દરિયા કિનારે સતત રહીને નજર રાખતા સાગર તટરક્ષક દળ (SRD)ના જવાનોનું ધ્યાન ગયું કે, ખંભાતના કિનારાથી દરિયો 5 કિલોમીટર દૂર હતો. તેના પાણીમાં અચાનક વધારો થયો અને કિનારાથી માંડ અડધો કિલોમીટર જ દૂર પાણી આવીને અટક્યું. જે રીતે દરિયો ધસમસતો આગળ વધી રહ્યો છે ને રીતસર જમીન ગળી રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે આજથી ચાર દાયકા પહેલાં દરિયાનું જે રૂપ હતું તે પાછું આવી રહ્યું છે.
ખંભાત શહેરમાંથી થઈ અમે ખંભાતનો દરિયો જ્યાંથી દેખાય છે તે ડંકી પોઈન્ટ પહોંચ્યા. આ જગ્યાએ આસપાસના લોકો હવાફેર કરવા આવે છે પણ દરિયો દૂર હતો એટલે કોઈ આવતું નહોતું. જ્યારથી દરિયો કિનારાથી એકદમ નજીક આવી ગયો છે ત્યારથી લોકો ફરવા આવવા લાગ્યા છે. ખંભાતની ખાડીમાં કિનારાથી 5 કિલોમીટર દૂર સુધી ભીનો કાદવ હોય તેવી જમીન પથરાયેલી હતી.
દૂર દૂર સુધી પાણીનું ટીપું ય નહોતું. કેટલાક સાગર તટરક્ષક દળ (SRD)ના જવાનો તહેનાત હતા. આ જવાનોને જ્યારે અમે પૂછ્યું ત્યારે તેમણે હાથ લાંબો કરીને બતાવ્યું કે, ત્યાં દૂર સુધી દરિયો હતો. આટલે દૂરથી આટલો નજીક આવી જશે એવી તો કલ્પના ય નહોતી કરી. અમે આનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે કિનારાથી પાંચેક કિલોમીટર દૂર પોચી જમીન છે. તેમાં ઊંડે સુધી પોલાણ ચાલુ થયું છે. દરિયાનું પાણી ધક્કા મારીમારીને જમીન તોડીને આગળ વધે છે. મોટી મોટી ભેખડો દરિયો ગળી જાતો હોય એવું લાગે…
ખંભાતમાં રહેતા 70 વર્ષના જીતેન્દ્રકુમાર શાહ ખંભાતના દરિયાની ભરતી-ઓટના સાક્ષી રહ્યા છે. તે કહે છે, હું જન્મથી જ ખંભાતમાં રહું છું. મને યાદ છે કે બરાબર વર્ષ 1968-69ની સાલમાં ખંભાતનો દરિયો ઉછાળા મારતો હતો. મેં મારી આંખે જોયેલું છે કે તે સમયે ત્રણથી ચાર માળ ઊંચાં દરિયાનાં મોજાં ઊછળતાં હોય તેવી ભરતી આવતી હતી.
તે સમયે જ્યારે દરિયાનું ધોવાણ થતું હતું ત્યારે તે ધોવાણમાં જે ભેખડો પડતી હતી તેનાથી એટલો બધો અવાજ આવતો હતો કે બે હાથેથી કાન બંધ કરી દેવા પડે. આપણે સાંભળી પણ ના શકીએ, 1968ની સાલમાં મેં પોતે 30 થી 40 ફૂટ જેટલી વિશાળ ભેખડો પડતાં જોઈ છે અને હાલમાં જે દરિયામાં મોજાં ઊછળી રહ્યાં છે, જે રીતે ભેખડો પડી રહી છે, જે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તે 1968-69ની સાલની સરખામણીમાં 10 ટકા પણ નથી.
તે સમયે તો મોટરસાઈકલની સ્પીડે મોજાં ઊછળીને આવતાં અમે જોયેલાં છે. 1968-69ની સાલમાં તો મેં મોટાં મોટાં જહાજો ખંભાતમાં આવતાં જોયાં છે.
એક જમાનામાં ખંભાત દુનિયાનું ત્રીજા નંબરનું અને ભારતનું પહેલા નંબરનું કુદરતી બંદર હતું. પહેલાંના સમયમાં ખંભાતના દરિયામાં એકપણ નદી ભળતી નહોતી. પરંતુ સમય જતાં જેમ જેમ સાબરમતી નદી અને મહીસાગર જેવી નદીઓનું જોડાણ ખંભાતના દરિયામાં થતું ગયું તેમ તેમ ખંભાતનો દરિયો નાશ પામતો ગયો.
નદી મારફતે બધાં શહેરોનો કચરો ખંભાતના દરિયામાં ભેગો થવા લાગ્યો. જેના કારણે દરિયાની જમીનનું તળ ઊંચું આવતું ગયું. જેમ જેમ જમીનનું તળ ઊંચું આવતું ગયું તેમ તેમ દરિયાનું પાણી દૂર થતું ગયું. એટલે ધીમે ધીમે લગભગ 1972 પછી ખંભાતનો દરિયો મૃતપાય: બની ગયો. આટલાં વર્ષોમાં ગુજરાતના અન્ય દરિયાકાંઠે આટલાં બધાં વાવાઝોડાં આવ્યાં ધણી વખત મૂશળધાર વરસાદ પડ્યો છતાં ખંભાતને ક્યારેય નુકસાન નથી થયું એટલે મને નથી લાગતું કે ખંભાતમાં કોઈ ગ્લોબલ વોર્મિંગની અસર થઈ હોય. આ મારા અનુભવ પરથી કહું છું.
ગત ફાગણ પૂનમની આસપાસ જે હાઈટાઈડ એટલે કે ભરતી આવી હતી તેના કારણે ખંભાતના દરિયા કિનારે મોટા પ્રમાણમાં માટીનું ધોવાણ થયું હતું. જેની જાણ સાગર તટરક્ષક દળના જવાનોએ ખંભાત નગરપાલિકાને કરી હતી. બાદમાં નગરપાલિકાના કેટલાક અધિકારી અને પદાધિકારીઓ જોવા આવ્યા ત્યારે જોયું કે, જે દરિયો ખંભાતના ડંકી પોઈન્ટથી 2-3 કિલોમીટર દૂર દેખાતો હતો હવે તે ડંકી પોઈન્ટથી માત્ર 500-600 મીટર દૂર જોવા મળી રહ્યો છે.
એટલે કે દરિયો વધુ નજીક આવી ગયો છે. ખંભાતમાં ભરતી આવ્યા બાદ જે ઓટ આવે એટલે જેટલું પાણી દરિયા કિનારે આવ્યું હોય તે જતું રહેતું હોય છે અને ત્યાં ફક્ત રેતાળ જમીન જોવા મળે છે. જે દરિયાના આવેલા કાંપના કારણે બનેલી હોય છે. પરંતુ છેલ્લાં 2 અઠવાડિયાથી અહીં પાણીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે.
પહેલાં જે દરિયાનાં મોજાં અહીં જોવા નહોતાં મળતાં તેવાં મોટાં દરિયાનાં મોજાં હાલમાં ખંભાતના દરિયા કિનારે જોવા મળી રહ્યાં છે. દરિયામાં પાણીનું જે વહેણ બદલાયું છે તે ધોલેરા અને ભરુચ કરતાં ખંભાતની ખાડીમાં વધુ જોવા મળી રહ્યું છે. જેથી ખંભાતના દરિયા કિનારે આવતા લોકોને પ્રાંત અધિકારીએ અપીલ કરી છે કે, આવી પરિસ્થિતિમાં વહેણની નજીક જવું નહીં, જ્યાં બેરીકેડિંગ કરેલું છે ત્યાં જ ઊભા રહીને દરિયાની ભરતી જોવી જોઈએ.
કારણ કે ખંભાતની ખાડીમાં દરિયાઈ કિનારે જે જમીન આવેલી છે તે બધી કાંપની જમીન છે એટલે કે, પોચી જમીન છે. જેથી ભરતીના સમયે દરિયાઈ મોજાંના કારણે ત્યાંની ભેખડો તૂટી પડે છે. જેથી દરિયાની નજીક ન જઈએ તે જ લોકો માટે હિતાવહ છે. બાકી કોઈ ચિંતા કરવાની જરુર નથી કારણે કે ખંભાતના કોઈ રહેણાક વિસ્તારમાં પાણી નથી આવ્યું.
તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા ખંભાતના દરિયા કિનારે ડંકી પોઈન્ટે સુરક્ષા માટેનાં બેનરો પણ લગાડવામાં આવ્યાં છે. SRD સાગર તટરક્ષક દળના જવાનોને પણ સતત વોચ રાખવા સૂચના આપી દેવાઈ છે. સુરક્ષાના ભાગરુપે તેમને લાઈફ જેકેટ પણ અપાયાં છે. ખંભાતના દરિયા કિનારે આવતા લોકોને પ્રાંત અધિકારી કુંજલ શાહે કહ્યું છે કે, દર ચાર-પાંચ વર્ષે આ પ્રકારની પ્રક્રિયા બનતી રહેતી હોય છે. 2017માં ખંભાતની બાજુમાં આવેલા ઓખલામાં પણ આ રીતની પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યારે પણ જેટલું પાણી દરિયા કિનારે આવ્યું હતું તે 2-3 મહિનામાં પાછું જતું રહ્યું હતું.
આણંદ જિલ્લાનો ખંભાત તાલુકો ભૌગોલિક રચનાને લીધે બે ભાગમાં વહેંચાયેલો છે. ખંભાતનો બોરસદ અને પેટલાદ બાજુનો જે ભાગ છે તેને ચરોતર પ્રદેશ કહેવાય છે અને ખંભાત સિટીથી વટામણ ચોકડી સુધીના વિસ્તારને ભાલ પ્રદેશ કહેવાય છે.
ખંભાતને ભાલનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. વર્ષો પહેલાં ખંભાતનો દરિયા કિનારો ડંકી પોઈન્ટ એટલે કે હાલમાં જ્યાં નગરપાલિકા દ્વારા સહેલાણીઓ માટે બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે ત્યાં અને રાહદારીઓના રસ્તા સુધી દરિયો આવતો હતો. જે તે સમયે અહીંયાં સુધી રેલગાડી પણ આવતી હતી અને ખંભાતના બંદરે જેટલો પણ માલસામાન આવતો તે અહીંથી ટ્રેન મારફતે અલગ અલગ રાજ્ય અને શહેરોમાં મોકલવામાં આવતો હતો. વર્તમાનની વાત કરીએ તો હાલમાં ખંભાત તાલુકાની વસ્તી અંદાજે ત્રણ લાખ આસપાસ છે.