ગુજરાતમાં ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું : કચ્છ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું
એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ગરમીનો પારો રોજેરોજ ઊંચો જઈ રહ્યો છે. અત્યારે એ હાલ છે કે, દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. રવિવારે કંડલા એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રવિવારે 11 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર વધુ એકવાર અગનભઠ્ઠી બની ગયું. અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું હતું. આજે પણ હવામાન વિભાગ દ્વારા 10 શહેરોમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
કચ્છ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
રવિવારે કચ્છમાં આગઝરતી ગરમી પડી હતી. 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું હતું. તો અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં 11 શહેરોમાં તાપમાન 40ને પાર પહોંચ્યું હતું.
વડોદરા શહેરમાં આજે તાપમાન વધીને 41.8 ડિગ્રીએ પહોંચતા ડામર ઓગળવા લાગ્યો હતો. આકરી ગરમીના કારણે લોકો અકળાયા હતા.