આણંદના મંગળપુરામાં રખડતા કૂતરાઓનો ત્રાસ, 15 દિવસમાં 40થી વધુ લોકો થયાં શિકાર
આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે, છેલ્લા 15 દિવસમાં 40થી વધુ લોકોને કુતરુ કરડતા સારવાર લેવાની ફરજ પડી છે. કૂતરાના ત્રાસને પગલે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. બાળકોને બહાર રમવા પણ મોકલાતા નથી. આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં છેલ્લાં કેટલાંય સમયથી રખડતાં શ્વાન દ્વારા રસ્તે અવર-જવર કરી રહેલા લોકોને બચકાં ભરવામાં આવી રહ્યા છે. મંગળપુરામાં રહેતી ગુલાબકૌર મરાઠાને બુધવારે કૂતરાંએ બચકાં ભરતા આઠ ટાંકા આવ્યા હતા.
આ સિવાય, છેલ્લાં 15 દિવસમાં 40થી વધુ લોકોને વિસ્તારમાં બચકાં ભર્યા છે. જેને કારણે વિસ્તારમાં રહેતા લોકો હાલ ફફડી રહ્યા છે. કેટલાંક લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. જ્યારે પણ ઘરમાંની કોઈ વ્યક્તિ બહાર નીકળે છે ત્યારે તેની સાથે લાકડી લઈને જ બહાર નીકળી રહ્યા છે. આ ઉપરાંત ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તેઓ તેમને સાથે લેવા-મુકવા જતા હોવાના પણ બનાવ બની રહ્યા છે. કૂતરાંના ભયને કારણે નાના બાળકોને પણ હવે ફળીયામાં બહાર રમવા માટે નીકળવા દેવાતા નથી. આ મામલે મહાનગરપાલિકા દ્વારા કૂતરાંઓનું ખસીકરણની કોઈ વ્યવસ્થા નથી. હાલમાં ચોપડે 3330 કૂતરાં નોંધાયેલા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે વેળાસર કંઈક નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકોની ઉઠી છે.