જીઆઈડીસી, નાવલી અને ખાંધલીમાં મોડીરાત્રે લાગેલી ભીષણ આગની ઘટના બનતા અફડાતફડીભર્યો માહોલ
ગઈકાલની રાત્રી જાણે કે આગરાત્રી હોય તેમ મોડીરાત્રીના પોણા દશ વાગ્યાથી વહેલી સવારના ત્રણ વાગ્યા દરમ્યાનના જીઆઈડીસી, નાવલી અને ખાંધલી સીમમાં આગની ઘટના બનતા અફડાતફડીભર્યો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આગને કારણે વ્યાપક નુકશાન થવા પામ્યું હતુ. જો કે કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ નાવલી સીમના ફર્નિચરના વર્કશોપમાં લાગેલી આગની ઝોળ પાસે જ આવેલા પોલ્ટ્રીફાર્મમા લાગતા ૩૦૦ થી ૪૦૦ જેટલા મરઘાંના શેકાઈ જતા મોત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનૂસાર જીઆઈડીસીમાં ફેઝ-૪માં આવેલા રોયલ એનફિલ્ડ સર્વિસ સેન્ટરના વર્કશોપમાં શોર્ટ સરકીટથી આગ લાગી હતી. વર્કશોપમાં બળેલું ડીઝલ તેમજ પાંચેક જેટલા બુલેટો મુક્યા હોય તે આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીઘું હતુ. જેને લઈને આસપાસની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો તુરંત જ બહાર દોડી આવ્યા હતા. થોડી ક્ષણોમાં જ ટોળેટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા.
ઘટનાની જાણ આણંદ ફાયરબ્રીગેડને કરવામાં આવતાં જ ચીફ ફાયર સુપ્રીટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોરની આગેવાની હેઠળ ત્રણ વોટર બાઉઝર અને એક મીની ફાયટર સાથે જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચારેબાજુથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરબ્રીગેડના જવાનો હજી હાશકારો લે તે પહેલા જ રાત્રીના ૧૧.૫૫ મિનિટે આણંદના વિદ્યા ડેરી રોડ બાદ આવતી નાવલી ગામની સીમમાં કાર્યરત મેવાડા વુડ એન્ડ એલ્યુમીનીયમ લાકડાના કારખાનાના ફર્ચિનરના વર્કશોપમાં શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેથી ફાયરબ્રીગેડના જવાનો ત્રણ વોટર બાઈઉજર અને એક મીની ફાયર ફાયટર સાથે ત્યાં પહોંચ્યા હતા. જો કે એ પહેલા લાકડું જ હોય આગે ભીષણ રૂપ ધારણ કરી લીઘું હતુ. આગની ઝોળ નજીકમાં આવેલા પોલ્ટ્રીફાર્મના મરઘાંને લાગતા આશરે ૩૦૦ થી ૪૦૦ જેટલા મરઘા આગમાં શેકાઈ જતા મૃત્યુ પામ્યા હતા. જો કે જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ વહેલી સવારના ત્રણેક વાગ્યાના સુમારે આણંદ-બોરસદ રોડ ઉપર આવેલા ખાંધલી ગામની સીમમાં શિવ ફર્નિચર માર્ટની ઓરડીની અંદર મુકેલા મીટરમાં શોર્ટ સરકીટ થતા આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. જેથી ફાયરબ્રીગેડના જવાનો બે વોટર બાઉઝર સાથે ત્યાં પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આમ, માત્ર પાંચ કલાકના ગાળામાં જ ત્રણ જગ્યાએ આગની ઘટના બનવા પામી હતી. જેમાં લાખો રૂપિયાનો સરસામાન સળગી જવા પામ્યો હતો. ફાયરબ્રીગેડના ચીફ સુપ્રીટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોરના જણાવ્યા અનુસાર ત્રણેય જગ્યાએ આગ ઓલવવા માટે કુલ ૭૫ હજાર લીટર જેટલો પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો.