ગોળી મારી દો, પરંતુ અમને પાકિસ્તાન પાછા ન મોકલો:મહેસાણામાં વસતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોની વેદના
મહેસાણામાં ઘણા વર્ષોથી લોંગ ટર્મ વિઝા લઈને વસવાટ કરી રહેલા પાકિસ્તાની હિન્દુ નાગરિકો જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પાછા જવા આપેલા અલ્ટીમેટમ બાદ ઉચાટમાં જીવી રહ્યાં છે. તેમણે પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે, ‘પાકિસ્તામાં ખૂબ યાતનાઓ ભોગવીને માંડ ભારતમાં આવ્યા છીએ. અમોને ગોળી મારી દો, પરંતુ અમને પરત પાકિસ્તાન ન મોકલો તેવી આજીજી કરી હતી’. ઉલ્લેખપાત્ર છે કે, હાલમાં અહીં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝા ઉપર 12 મુસ્લીમ અને 1,039 હિન્દુ પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં આવેલ પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં 26 જેટલા નિર્દોષ ભારતીયોએ પોતાના જાન ગુમાવ્યા હતા. આંતકવાદીઓના આ કૃત્ય બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનને સબક શીખવાડવા સિંધુ કરાર રદ કરવા, ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોને પરત જવા સહીતના કેટલાક નિર્ણય કર્યા છે. જેના પગલે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝા ઉપર ભારતમા રહેતા પાકિસ્તાની નાગરિકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે.
તેના પગલે મહેસાણાના ઈન્દીરાનગર, કુકસ, લાખવડમાં છેલ્લા ઘણા વર્ષોથી લોંગ ટર્મ વિઝા ઉપર આવીને વસવાટ કરતા પાકિસ્તાની પરિવારોમાં અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે, કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી અત્યાચાર ભોગવીને ભારતમાં શરણ મેળવનાર હિન્દુ પાકિસ્તાની નાગરિકોને દેશનું નાગરિત્વ આપવાની પોલીસી અનુસાર જાહેરાત કરી છે. જેથી મહેસાણા વિસ્તારમાં વસવાટ કરતા 1,039 જેટલા હિન્દુ પાકિસ્તાની નાગરિકોને રાહત રહેલી છે.
મહેસાણામાં લોંગ ટર્મ વિઝા ઉપર હાલમાં 6 મુસ્લિમ અને 790 હિન્દુઓ તેમજ શોર્ટ ટર્મ વિઝા ઉપર 6 મુસ્લિમ અને 249 હિન્દુઓ મળી કુલ 1051 પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યા છે. માંડ દોઢેક માસ અગાઉ જ શોર્ટ ટર્મ વિઝા લઈને પાકિસ્તાનથી મહેસાણા આવેલ 249 લોકો અત્યારે કુકશ તથા લાખવડમાં રહે છે. તેઓના 45 દિવસના વિઝા લગભગ પૂર્ણ અથવા પૂર્ણતાના આરે હોઈ હવે તેઓના વીઝા રીન્યુ થશે કે કેમ તે અંગેના સવાલો ઉભા થયા છે. જોકે, પાકિસ્તાનમાં અત્યારચારનો ભોગ બનીને મહેસાણામાં આવીને વર્ષોથી વસવાટ કરનાર પાકિસ્તાની હિન્દુ નાગરિકો અહીં ખેતમજૂરી, કડીયાકામ સહીતના કામો દ્વારા પરિશ્રમ કરીને રોજીરોટી મેળવી રહ્યા છે.
આ પરિવારોમાં કેટલાક બાળકોના જન્મ પણ અહીંયા જ થયા છે અને નજીકની પ્રાથમિક શાળાઓમાં પાયાનું શિક્ષણ મેળવી રહ્યા હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાની હિન્દુ નાગરીકોને કોઈપણ ભોગે ભારત છોડીને ફરીથી યાતનાઓ ભોગવવા પાકિસ્તાન જવું નથી. તેઓનું માનવું છે કે, પહેલાં કરતાં ત્યાંની સ્થિતી ખૂબ ખરાબ છે ત્યારે ભારતમાં અમે સુરક્ષિત છીએ. જેથી અમે ગોળી ખાવા તૈયાર છીએ પણ પાકિસ્તાન કયારેય પાછા જવા માંગતા નથી.મહેસાણાના ઈન્દીરાનગરમાં વર્ષોથી પાકિસ્તાનથી પોતાના પરિવાર સાથે આવીને વસેલા રામસિંહ ઠાકોર જણાવે છે કે, દેશના ભાગલા પડયા ત્યારે અમારા બાપદાદા પાકિસ્તાનમાં રહ્યાં હતા. પરંતુ ઘણા સમયથી ત્યાં હિન્દુઓ સાથે અત્યાચાર વધ્યો હોવાથી અને સાતેક વર્ષ પહેલાં પાકિસ્તાન છોડીને લોંગ ટર્મ વિઝા લઈ ભારત આવ્યા હતા અને મહેસાણામાં હાલ મારા પરિવારના 26 સભ્યો સાથે રહીએ છીએ. અહીં બધુ સારૃ છે અમને કોઈ તકલીફ નથી. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ.