કોઇ પણ માર્ગ પર ડાયવર્ઝન આપતા પહેલા તેનું સમારકામ કરીને ડાયવર્ઝન આપવું જોઈએ : જાગૃત નાગરિક
વલ્લભ વિદ્યાનગર ત્રિકોણીયા બાગથી બાકરોલ ગેટપાસે આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં એક બાજુનો માર્ગ બંધ કરીને બીજી બાજુના માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ માર્ગ માત્ર 15 ફૂટ પહોળો હોવાથી તેમજ માર્ગ પર ઠેર-ઠેર મોટા મોટા ખાડા અને કપચી ઉપસી આવી છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે. તેમજ સતત વાહનો પસાર થતાં હોવાથી ધૂળ ઉડતા વાહનચાલકોના સ્વાસ્થય સાથે ચેડા થઇ રહ્યાં છે. તો વળી એક જગ્યાએ તો વચ્ચે તોતીંગ વૃક્ષ આવેલું છે. જેને લઈને વાહનચાલકોને છેલ્લા 1માસથી ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. ત્યારે કોઈ પણ માર્ગ પર ડાયવર્ઝન આપતાં પહેલા તેનું સમારકામ કરીને ડાયવર્ઝન આપવું જોઈએ તેમ જાગૃત નાગરીકે જણાવ્યું હતું.
નોંધનીય છે કે છેલ્લા એક માસથી એલીકોન ત્રિકોણીય ગાર્ડનથી બાકરોલગેટ સુધી આરસીસી રોડ બનવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે માર્ગ બનવાની શરૂઆત થઈ ત્યારથી લઈ હજુ સુધી ડાયવર્ઝનનું બોર્ડ મુકાયું નથી. જેને લઈને વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ ઉપરાંત દરરોજ નોકરી અર્થે અવર-જવર કરનાર નોકરિયાત વર્ગ સ્કૂલ અને કોલેજ આવતા જતા બાળકો-વિદ્યરથીઓ સહિત અને જાહેર જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે જનતાને ખ્યાલ જ નથી કે રસ્તો નવો બની રહ્યો છે. જ્યારે તે સ્થળ પર પહોંચે છે અને જોવે છે કે રસ્તો બની રહ્યો છે. તો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે હવે કયા રસ્તેથી પસાર થવું ? કારણ કે તંત્ર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ મૂકવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે. ત્યારે આસપાસના રહીશો અને જનતાની માંગ છે કે આ રસ્તા ઉપર ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવે તદુપરાંત અવરજવર માટેનો જે રસ્તો છે તે ઉબડખાબડ થયેલો હોવાથી તેનું પણ જલ્દીથી સમારકામ કરવામાં આવે અને નવો બનેલો રસ્તો જલ્દીથી શરૂ કરાય.