આણંદ : ૬ માસથી બંધ કરાયેલ કિફાયતી ‘બુક પોસ્ટ’ યોજના ભાવ વધારા સાથે ‘જ્ઞાન પોસ્ટ’ નામથી લોન્ચ
રાજય-કેન્દ્ર સરકારની વર્ષોથી ચાલતી અનેક યોજનાઓ એકાએક બંધ કરી દેવામાં આવે છે અને થોડા સમય બાદ તે સેવાઓની કિંમતોમાં વધારો કરીને નવા નામકરણ સાથે પુન: અમલી બનાવવામાં આવતી હોય છે. આ સિલસિલામાં પુસ્તકોની પોસ્ટ સેવા દ્વારા આપ-લે માટેની જાણીતી અને કિફાયતી બુક પોસ્ટ યોજનાને આશરે છ માસ અગાઉ કેન્દ્રના સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ વિભાગે બંધ કરી દીધી હતી. આ સેવા હેઠળ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પુસ્તકો મોકલવા સરળ બન્યા હતા. છ-છ માસ સુધી ગ્રાહકોને સરળ અને અનુકૂળ એવી યોજના બંધ રાખ્યા બાદ હવે તાજેતરમાં નવા નામ જ્ઞાન પોસ્ટ સાથે યોજના અમલમાં મૂકીને મીનીમમ સેવા શુલ્કમાં બમણો વધારો ઝીંકાયો છે.જ્ઞાન પોસ્ટ ભારતમાં પથરાયેલા વિશાળ પોસ્ટ નેટવર્કનો લાભ લઇને વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રકાશકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારોને સસ્તા શૈક્ષણિક સંસાધનો પૂરા પાડશે તેમ જણાવાયું છે. સાથોસાથ આ સેવા ભારતની સાંસ્કૃતિક-ધાર્મિક વિરાસતને મજબૂત કરવા સાથે દૂરના વિસ્તારોમાં પણ સમયસર અને વિશ્વાસપૂર્વક ડિલિવરી સુનિશ્ચિત કરશે. આ સેવાનો લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ બુક પોસ્ટ સેવા અંતર્ગત માન્ય શૈક્ષણિક બોર્ડ, યુનિ.ના પુસ્તકો, અભ્યાસ સામગ્રી, સામાજીક-સાંસ્કૃતિક અને ધાર્મિક પુસ્તકો મીનીમમ રૂ.૧૦નો ખર્ચમાં મોકલી શકાતા હતા. પરંતુ હવે જ્ઞાન પોસ્ટ સેવામાં મીનીમમ શુલ્ક રૂ. ર૦ (૩૦૦ ગ્રામ સુધી)થી શરુઆત કરવામાં આવી છે. જયારે ૪થી પ કિલો વજન માટે રૂ.૧૦૦ શુલ્ક દર નિર્ધારિત કરાયો છે. આ યોજના અંતર્ગત તમામ પોસ્ટ ઓફિસોમાં ઓનલાઇન ટ્રેક અને ટ્રેસ, રસીદ અને ડિલિવરીના પુરાવા સાથે સામગ્રી પરત ખેંચવી, રિકોલ, સરનામું બદલવું, રજીસ્ટ્રેશન,વીમો અને ડિલીવરીનો પુરાવો પણ જરુરી ફી સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આણંદ પોસ્ટ ઓફિસમાં નવી યોજના અંગે એકપણ અરજદારની એન્ટ્રી નહીં !
આણંદ પોસ્ટ ઓફિસના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકાશનોના પુસ્તકોની અગાઉ બુક પોસ્ટ દ્વારા આપ-લે કરવામાં આવતી હતી. જો કે નવી શરુ કરાયેલ જ્ઞાન પોસ્ટ યોજના અંતર્ગત હજી સુધી એકપણ અરજદારની એન્ટ્રી થઇ નથી.