આણંદ કૃષિ યુનિ.માં સિકયુરીટીના વાર્ષિક ૩.રપ કરોડના કોન્ટ્રાકટ મામલે વિજીલન્સ તપાસનો ધમધમા
આણંદ કૃષિ યુનિ. દ્વારા તેના હસ્તકના વિવિધ સ્થળોએ આવેલ કોલેજો, સબ સેન્ટરો, ફાર્મની સાચવણી માટે વાર્ષ્િાક કરોડોનો સિકયુરીટી કોન્ટ્રાકટ નિયમો વિરુદ્વ ફાળવી દીધાનો ચર્ચાસ્પદ બનેલ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. જેમાં અરજદારની લેખિત રજૂઆતને નોંધ લઇને સેન્ટ્રલ વિજીલન્સ કમિશને તપાસ હાથ ધરી હતી. જેમાં ગતરોજ આણંદ કૃષિ યુનિ.માં વિજીલન્સની ટીમ દ્વારા તપાસ પ્રકિયા હાથ ધરવામાં આવતા યુનિ. કેમ્પસમાં સોપો પડી જવા પામ્યો હતો.ઉલ્લેખનીય છ ેકે આણંદ કૃષિ યુનિ. દ્વારા વાર્ષિક અંદાજે ૩.રપ કરોડ લેખે ત્રણ વર્ષ માટે તેના વિવિધ સ્થળો માટે કુલ ૧૭ર સિકયુરીટી ગાર્ડનો કોન્ટ્રાકટ અપાયાનો મામલો શંકાના વમળમાં મૂકાયો છે. જેમાં યુનિ. દ્વારા સરકારના જેમ પ્લેટફોર્મ અને સેન્ટ્રલ વિજીલન્સ કમિટીના પ્રોટોકોલનો ભંગ કરીને, નિયમોમાં મનસ્વીપણે ફેરફાર કરીને ચોકકસ એજન્સીને કોન્ટકટ મળે તેવા પ્રયાસો કર્યાની મુખ્યમંત્રી તાલુકા સ્વાગત કાર્યક્રમ, તકેદારી આયોગ સહિતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આણંદ કૃષિ યુનિ.ના રજીસ્ટ્રાર ગૌતમભાઇ પટેલને પૃચ્છા કરતા જણાવ્યું હતું કે, યુનિ.ની ૧૩ સભ્યોની કમિટી દ્વારા આણંદ, વસો, ઠાસરા, જબુગામ, દાહોદ, ગોધરા, નવાગામ સહિતના ૧ર સ્થળોના સબ સેન્ટર, ગર્લ્સ હોસ્ટેલ, કોલેજો અને ફાર્મ માટે ૧૭ર સિકયુરીટી ગાર્ડની જરુરિયાત હોવાનું અને લઘુત્તમ વેતન મુજબની શરતો સાથે ટેન્ડર પ્રકિયા કરવામાં આવી હતી. રાજય સરકારના જેમ પોર્ટલ પર ટેન્ડર મૂકાતા કુલ ૧૦ર એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. જેના કમિટી દ્વારા સ્ક્રુટીનાઇઝ કરાતા ૬ર એજન્સીઓએ પૂરતા દસ્તાવેજો રજૂ કર્યા ન હતા. જયારે ૩૯ એજન્સીઓ નિયમોનુસારની શરતોને અનુસરતી ન હોવા સહિતના કારણોસર ટેન્ડર મુજબ બંધબેસતી ન હતી.
જયારે એક પાર્ટી ટેકનીકલ કવોલીફાય થઇ હતી. આવેલ ટેન્ડરોને ઓપન કરવાથી કમિટી દ્વારા લેવાયેલ અંતિમ નિર્ણય સુધીની પ્રકિયાનું વિડીયો રેકોર્ડીગ કરાયું છે. જો કે સિકયોરીટી કોન્ટ્રાકટના નિયમોને અવગણીને બારોબાર ચોકકસ વ્યકિતને કરોડોનો કોન્ટ્રાકટ અપાયાની થયેલ મુદ્દાસર રજૂઆત બાદ હાથ ધરાયેલ રાજયસ્તરની તપાસ બાદ હવે સત્ય ઉજાગર થશે કે કોથળામાંથી બિલાડું નીકળશે તે જોવું રહ્યું.
નડિયાદ કલેકટર કચેરીથી આણંદ મોકલાયેલ અરજીનો આજદિન સુધી જવાબ મોકલાયો નથી !
આણંદ કૃષિ યુનિ.માં સુરક્ષા ટેન્ડરમાં ભ્રષ્ટાચાર અંગે નડિયાદના અરજદારે કરેલ રજૂઆતને જનસંપર્ક અધિકારી,કલેકટર કચેરી,નડિયાદ દ્વારા ગત તા. ૧૯ એપ્રિલ,ર૦રપના રોજ જનસંપર્ક અધિકારી, આણંદને મોકલવામાં આવી હતી. જેમાં આ રજૂઆત આપના કાર્યક્ષેત્ર હેઠળ આવતી હોવાથી અરજી અન્વયે જરુરી ઘટતી કાર્યવાહી કરી અરજદારને જવાબ પાઠવવા તેમજ મુખ્યમંત્રી સ્વાગત એસ્કેલેશન મેટ્રીકસ ઓનલાઇન પોર્ટલ પર જવાબ અપલોડ કરવાનો હોવાથી દિન-૭માં આખરી નિકાલની વિગત ટપાલથી તેમજ ઇમેઇલથી મોકલી આપવા જણાવ્યુ ંહતું. પરંતુ આધારભૂત સૂત્રોનુસાર આજદિન સુધી જનસંપર્ક શાખા કે અરજદારને જવાબની કોઇ ટપાલ મળી નથી.