બપોરે 12 થી 5 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવા તંત્રનો અનુરોધ
નડિયાદ : ખેડા જિલ્લામાં હાલમાં હીટવેવની સંભાવનાઓને પગલે જિલ્લા વહીવટી તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં બપોરે ૧૨થી પાંચ વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા અનુરોધ કરાયો છે.અસહ્ય ગરમીમાં સન સ્ટ્રોક (લૂ)થી નાના બાળકો, સગર્ભા, વૃદ્ધ- અશક્ત વ્યક્તિઓએ તડકામાં કાળજી રાખવા જણાવાયું છે. માથાનો દુઃખાવો, પગની પિંડીઓમાં દુઃખાવો, શરીરનું તાપમાન વધી જવું, તરસ લાગવી, ઉલટી- ઉબકા કે ચક્કર આવવા, આંખે અંધારા આવી બેભાન થઈ જવા જેવા ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના લક્ષણો છે. ગરમીમાં સારૂ આરોગ્ય જળવાય તે હેતુથી વરિયાળી, કાચી કેરી, કાળી દ્રાક્ષનું શરબત પીવું, શરીર અને માથું ઢાંકીને રાખવું, સફેદ રંગના ખૂલ્લા વસ્ત્રો પહેરવા સાથે સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ. લૂ લાગવાની અસર જણાય તો ત્વરિત નજીકના આરોગ્ય કેન્દ્ર, ૧૦૮ સેવાનો સંપર્ક કરવા તેમજ અઘટિત બનાવ બને તો ખેડા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.