આણંદ : સરદાર પટેલ રાજ માર્ગ ઉપર સર્જાયેલા ત્રીપલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
વિદ્યાનગર એપીસીથી એલીકોન તરફ જતા રાજપથ માર્ગ ઉપર આવેલી શાન સિનેમાની સામે આજે બપોરના સુમારે સર્જાયેલા એક ત્રીપલ અકસ્માતમાં બાઈક ચાલકનું સ્થળ પર કમકમાટીભર્યુ મોત થતા વિદ્યાનગર પોલીસે કાર અને આઈશરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. મળતી વિગતો અનુસાર વિદ્યાનગરની ૨૨ ગામ સ્કુલ પાછળ આવેલી સરદાર સોસાયટીમાં રહેતો કાળીદાસ ઉર્ફે જેપી અમરાજી સરગરા (ઉ. વ. ૩૨)આણંદ-વિદ્યાનગર રોડ આવેલા એક કપડાના શો-રૂમમાં નોકરી કરીને જીવન ગુજરાન ચલાવતો હતો.આજે સવારના સાડા દશેક વાગ્યાના સુમારે તે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, ડીવાય-૨૦૩૦ ઉપર સવાર થઈને મેચ રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.મેચ રમીને બપોરના અઢી વાગ્યાના સુમારે સરદાર પટેલ રાજમાર્ગ ઉપરથી પરત ઘરે આવતો હતો. દરમ્યાન શાન સિનેમા સામે તેના બાઈકની ઓવરટેક કરવા જતા એક કિયા કાર નંબર જીજે-૨૩, સીજી-૦૨૪૯એ ટક્કર મારતાં કાળીદાસ ઉર્ફે જેપી બાજુમાં સીએનજી ગેસના સીલીન્ડર ભરીને જતા આઈશર નંબર જીજે-૨૩, એટી-૫૫૭૬ની સાથે અથડાતા આઈસરે પણ ટક્કર મારતાં તેને માથામાં ગંભીર ઈજાઓ થતા ત્યાં પડી ગયો હતો. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી પહોંચ્યા હતા. અને કાળીદાસને તપાસીને મરણ ગયેલાનુ ંજાહેર કર્યું હતુ. ઘટનાની જાણ થતાં જ ફરિયાદી અમરાજી, તેમના પત્ની તેમજ કાળીદાસ ઉર્ફે જેપીની પત્ની સહિત ઘરના સભ્યો પણ આવી પહોંચ્યા હતા અને ભારે રોકકડ કરી મુકી હતી. અકસ્માતને પગલે-પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. જેના કારણે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સ્થળ પરથી દુર કરીને ટ્રાફિક ક્લીયર કર્યો હતો. આ અંગે અમરાજીએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને કાર અને આઈસરના ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને બન્નેના ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.