પેટલાદના વિદેસી દારૂના ત્રણ બુટલેગરોની પાસા હેઠળ કરાયેલી ધરપકડ
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેટલાદ શહેર પોલીસે પેટલાદમાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ જેવી અસામાજીક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા ત્રણ બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરીને સુરતની લાજપોર તેમજ ભુજની પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ત્રણ-ચાર મહિના પહેલા જ પેટલાદમાંથી મોટાપાયે હાઈ રેન્જની વિદેશી દારૂની પેટીઓ અલગ-અલગ ત્રણથી ચાર જગ્યાએથી પકડાઈ હતી. જેમાં પેટલાદ શહેર પોલીસ મથકે ફરજ બજાવતા એક પોલીસ જવાના ઘરેથી જ ૧૫ પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને અલગ-અલગ કેસો દાખલ કરીને તેમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર મોસીન લીયાકતમીંયા મલેક સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરી હતી. આ કેસોમાં મોઈનુદ્દીન ઉર્ફે બાટલો મહંમદફારૂક કાજી, સાજીદખાન ઉર્ફે અરબડી ડોસુખાન પઠાણ તેમજ તૌસીફહુસેન ઉર્ફે રાજુ અનવરમીયા મલેકની પણ ધરપકડ કરાઈ હતી.
તમામ વિરૂદ્ઘ પેટલાદ શહેર પોલીસે પાસા હેઠળ ધરપકડ કરવાની એક દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા પોલીસ વડા જી. જી. જસાણી મારફતે જીલ્લા કલેકટર પ્રવિણ ચૌધરીને મોકલી આપવામાં આવી હતી. કલેક્ટરે આ દરખાસ્ત ઉપર મંજુરીની મહોર મારી હતી. જેથી એલસીબી પોલીસે મોઈનુદ્દી ઉર્ફે બાટલો અને સાજીદખાન ઉર્ફે અરબડીને ઝડપી પાડીને તેમને પાસાના વોરંટની બજવણી કરીને પેટલાદ શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. જ્યારે પેટલાદ શહેર પોલીસે તૌસીફહુસેન ઉર્ફે રાજુની ધરપકડ કરીને તેને પાસાના વોરંટની બજવણી કરીને તૌસીફ અને મોઈનુદ્દીનને ભુજની પાલારા જેલ તેમજ સાજીદખાનને સુરતની પાલારા જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોકલી આપવામાં આવ્યા હતા.