આણંદ ફાયર બ્રિગેડ: અનુભવની કમી હોવા છતાં ભીષણ આગમાં લાશ્કરોએ પ્રભાવશાળી અને બહાદુર કામગીરી
આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૩ માસ દરમ્યાન ૩રથી વધુ આગના નાના-મોટા બનાવો બન્યા છે. જેમાં આણંદ ફાયર બ્રિગેડના ફાઇટરો સહિતની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. મતલબ કે સરેરાશ દર ત્રીજા દિવસે આગની ઘટનાનો કોલ મળતા આણંદ ફાયર બ્રિગેડને કવાયત કરવી પડે છે. પરંતુ આણંદ ફાયર બ્રિગેડમાં ૧૦થી ૧૮ વર્ષ જૂના ૪ રોજમદાર અને ર૪ કોન્ટ્રાકટના વ્યકિતઓ કામ કરી રહ્યા છે. જયારે માત્ર ૧ ફાયર ઓફિસર અને પ ફાયર મેન કાયમી છે. અનુભવી સ્ટાફની ઘટ છતાંયે ભીષણ આગ સહિતની ઘટનામાં આણંદ ફાયર બ્રિગેડના લાશ્કરો જીવના જોખમે સફળ કામગીરી કર્યાના અનેક કિસ્સા છે. છતાંયે અનુભવી પૂરતા કાયમી મહેકમની દિશામાં અનેકો રજૂઆત છતાંયે ભરતી કરવામાં આવતી નથી. આશરે ગત ઓકટો.ર૦ર૪માં પાલિકાએ જાહેરાત આપીને ભરતી માટેના ફોર્મ ભર્યા હતા.
પરંતુ ત્યારબાદ આણંદ મનપા જાહેર થતા પુન: ભરતી પ્રકિયા અટકી પડી છે. જો કે મનપાના બજેટમાં ફાયરને લગતી વિવિધ મશીનરી, સાધનોની ખરીદી, નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરાયું છે. પરંતુ ફાઇલોમાં દોરાયેલા આયોજનો વાસ્તવિક રીતે સમયસર પરિપૂર્ણ બને તે વર્તમાન સમયમાં જરુરી છે. બીજી તરફ ફાયર સેફટીના મામલે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજયભરમાં આવો બનાવ ન બને તે માટે સફાળી જાગેલી સરકારે નાના, મોટા તમામ બાંધકામો માટે ફાયર એનઓસી ફરજિયાતનો ઓર્ડર જારી કર્યો હતો.પરિણામે લોકોની વધુ અવરજવર રહેતી હોય તેવા સ્થળોએ તંત્રની વિવિધ ટીમોએ ફટાફટ તપાસ હાથ ધરી અને સરકારે સૂચવેલા નિયમો મુજબ ફાયર સહિતની સીસ્ટમ ન હોય તો સીલ મારવાનું ચાલુ કર્યુ હતું. જેથી અનેકો સંસ્થાઓ, વેપારીઓ અને બાંધકામોને પરેશાનીભરી સ્થિતિમાં મૂકાવવું પડયું છે.
હવે આણંદ મનપામાં સમાવિષ્ટ આણંદ,વિદ્યાનગર અને કરમસદ સહિત ૪ ગામોના સમાવિષ્ટ વિસ્તારને ધ્યાને રાખીને ફાયર બ્રિગેડને આધુનિક ટેકનોલોજીયુકત સાધનો સહિત ખૂટતા અનુભવી કર્મચારીઓની ભરતી સત્વરે થવી જોઇએ. નિયમમાં આવતા તમામ બાંધકામોની નિયમોનુસાર, સમયસર ફાયર એનઓસી સહિતની જવાબદાર તંત્ર દ્વારા ચકાસણી થવી જોઇએ. આણંદ શહેરમાં વિવિધ બાંધકામોની ફાયર એનઓસી સહિતની પ્રકિયા લગભગ માર્ચ,ર૦ર૪ સુધી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી હતી. અગાઉ ફાયર એનઓસી એક વર્ષની હતી પણ નવી ફાયર નીતિમાં નવી એનઓસી ૩ વર્ષ અને જૂનીને રીન્યુઅલ માટે બે વર્ષ કરવામાં આવ્યા છે. સરકારના નવા કાયદા અમલી બનતા જ આણંદ સહિત સાતેક જિલ્લાની ફાયર એનઓસીને લગતી તમામ બાબતો રીજીયોનલ ફાયર ઓફિસર, સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ,વુડા ભવન, વડોદરાને સોંપવામાં આવી છે. આથી શૈક્ષણિક, કોમર્શિયલ, રહેણાંક સહિતના નિયમ હેઠળ આવતા તમામ બાંધકામોની નવી ફાયર એનઓસી, રીન્યુઅલ માટે હવે વડોદરાના રીજીયોનલ ફાયર ઓફિસરની કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે. ફાયર એનઓસી મેળવવા માટે ફી ભરવા સહિતની ઓનલાઇન કાર્યવાહી કર્યા બાદ એનઓસી કેટલા સમયમાં મળશે તે નકકી ન હોવાથી લોકો પરેશાન થઇ રહ્યાની બૂમ ઉઠવા પામી છે. ઓનલાઇન એનઓસીની ફી સહિતની પ્રકિયા પૂરી થયા બાદ વડોદરાની ટીમ ઇન્સ્પેકશન માટે આવે. સ્થળ તપાસ કર્યા બાદ નકશાને અનુરુપ ફાયર સેફટી હોવાની ચકાસણી કરીને ફાઇનલ એનઓસી આપવામાં આવે છે. જો કે સાગમટે સાત જિલ્લાની ફાયર એનઓસી માટેની પ્રકિયા સમયસર પૂરી કરવી તે વડોદરા કચેરી માટે અશકય કામગીરી ગણી શકાય. ફાયર એનઓસી મેળવવા વિવશ બનેલા લોકોની વધતી સંખ્યાને ધ્યાને લઇને વચેટીયાઓ સક્રિય બન્યા છે. જેઓ બાંધકામના વિસ્તાર મુજબની ફાઇલદીઠ રૂ.૧પથી ૯૦ હજાર સુધીની રકમ પડાવી રહ્યાની ફરિયાદ ઉઠવા પામી છે.
કાયદા પાલનના દંડૂકાની આડમાં ફાયર એનઓસી મેળવવા માટે અનેક લોકોને ન છૂટકે વધારાની રકમ ખર્ચવી પડી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. આણંદ સહિત રાજયભરમાં ફાયર સેફટીની છ માસથી વધુ સમયની તાલીમ લીધેલ અનુભવીઓ ફરજ બજાવી રહ્યા છે. પરંતુ સરકારે તેઓને ફાયર એનઓસી માટેની સત્તા આપવાના બદલે માત્ર બે માસનો કોર્સ કરેલ ફાયર સેફટી ઓફિસરોને આ સત્તા આપી છે. સરકારની વેબસાઇટમાં ફાયરનો કોર્સ કરેલ ર૭૦ ફાયર સેફટી ઓફિસરોની યાદી જાહેર કરી છે. જેથી અરજદાર નવી કે રીન્યુઅલ ફાયર એનઓસી માટે ફાયર સેફટી ઓફિસરનો ઓનલાઇન સંપર્ક કરીને સ્થળ તપાસ માટે બોલાવી શકે છે. નોંધનીય બાબત એ છે કે, જેઓને કયારેય આગના બનાવ સમયે બચાવ કામગીરી માટે દોડવાનું નથી તેવા કોર્સ ધારી ફાયર સેફટી ઓફિસરોને ફાયર સર્ટિફિકેટ આપવા માટે કેટલી ફી વસૂલવી તેનું કોઇ ધારાધોરણ જ સરકારે નકકી કર્યુ નથી. જેથી મનમાની રીતે ફી વસૂલવામાં આવી રહ્યાની ફરિયાદ થવા પામી છે. જો કે એફએસઓના સર્ટિફિકેટને વડોદરા કચેરી માન્ય ગણતી હોવાથી અરજદારે ન છૂટકે વધારાની રકમ ખર્ચવા મજબૂર બનવું પડી રહ્યાની સ્થિતિ ઉદ્દભવી છે.
આણંદ સહિત જિલ્લાની પાલિકા સહિતના વિસ્તારોમાં નવા કેટલા બાંધકામોને વડોદરા કચેરી દ્વારા ફાયર એનઓસી આપવામાં આવી, કેટલી રીન્યુઅલ કરી તે અંગેનો કોઇ ડેટા સ્થાનિક ફાયર બ્રિગેડ તંત્રને મોકલવામાં જ આવતો નથી. ખરેખર તો સ્થાનિક ફાયર બ્રિગેડને રોજેરોજ વિગતો અપડેટ કરવામાં આવે તો નવી એનઓસી મેળવેલ બાંધકામોમાં પાણીના સ્ત્રોત, ફાયર બંબો સહિતના સાધનો ઝડપભેર પહોંચી શકે તે માટેના પ્લાન સહિતના આયોજન વિચારી શકે છે. જેથી ભવિષ્યમાં આકસ્મિક ઘટના સમયે સત્વરે ત્યાં પહોંચી શકાય. કારણ કે વડોદરા કચેરી ફાયર એનઓસી આપે પણ જિલ્લામાં કોઇપણ સ્થળે આગ સહિતની ઘટના સમયે સ્થાનિક ફાયર બ્રિગેડને જ દોડવાનું હોય છે. ત્યારે તેઓને નવી કે રીન્યુઅલ ફાયર એનઓસીનો ડેટા ઉપલબ્ધ કરાવવા મામલે સરકારે કોઇ આયોજન ન કર્યાની સ્થિતિ જોવા મળી રહી છે.
નવી ફાયરનીતિમાં મોટાભાગની બાબતો સ્પષ્ટ કરવામાં આવી ન હોવાથી મોટાભાગના ફાયર એનઓસી મેળવવા ઇચ્છતા અરજદારો હાડમારીભરી સ્થિતિ અનુભવી રહ્યા છે. જેમાં કોઇપણ બાંધકામનો નકશો ઓથોરીટીમાં મંજૂરી અર્થ મૂકતા અગાઉ ઇનીશીયલ એનઓસી માટે અરજદારે ઓનલાઇન રૂ.૭પ૦૦ ભરવાના રહે છે. છતાંયે ઝડપથી કામ ન થઇ રહ્યાની સ્થિતિનો સામનો કરવો પડે છે. ચર્ચાતી વાતોનુસાર ઇનીશીયલ એનઓસી માટે અંદરખાને ૭પ હજારથી એક લાખ સુધીની રકમ લેવામાં આવી રહી છે. ત્યારબાદ ત્યાંથી મળતા સર્ટિફિકેટને રજૂ કરવાથી સ્થાનિક ઓથોરીટી દ્વારા બાંધકામની મંજૂરી આપવામાં આવે છે. આમ, લોકોની સલામતી માટે ફાયર સેફટી ફરજિયાત હોવાના સરકારના હૂકમનો કેટલાક લાલચી અને ભ્રષ્ટ કર્મચારી,અધિકારીઓ દ્વારા પોતાના ખિસ્સાં ભરવાનો આબાદ કિમીયો બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે,પ વર્ષના પ્રોબેશન પિરીયડમાં ફરજ બજાવતા વડોદરા રીજનલ ફાયર ઓફિસરને આશરે સાતેક માસ અગાઉ એસીબીએ લાંચ કેસમાં ઝડપ્યા હતા.બીજી તરફ બાંધકામનો નકશો ઓથોરીટીમાંથી મંજૂર ન થાય ત્યાં સુધી બાંધકામ શરુ ન થઇ શકવાની વિકટ સ્થિતિમાં અંતે અરજદાર ઉપરની રકમ આપવા મજબૂર બનતો હોવાની પણ ચર્ચા સાંભળવા મળી રહી છે.
નવી ફાયર નીતિમાં સરકારે ફાયર સેફટી પ્રોવિઝનલ સર્ટિફિકેટ (પ્રોવિઝનલ એનઓસી) લેવી ફરજિયાત બનાવ્યું છે. જેમાં બાંધકામ સ્ટ્રકચર બાંધતા અગાઉ ઓનલાઇન રૂ.૧ હજારથી રપ૦૦ ફી ભરીને પ્રોવિઝનલ એનઓસી મેળવવાના ફોર્મમાં તમામ વિગતો દર્શાવવી પડે છે. ત્યારબાદ રહેણાંંક, કોર્મશિયલ કે શૈક્ષણિક સહિતના બાંધકામના બિલ્ટઅપ એરિયા મુજબ જુદા જુદા નિયત કરેલા ચાર્જ ઓનલાઇન ચૂકવવાના રહે છે. પ્રોવિઝનલ એનઓસીમાં ફાયર ડ્રોઇંગ દર્શાવતો નકશો રજૂ કરવાનો રહેશે. તેના પરથી વડોદરા કચેરી બાંધકામ માટેનો ફાયર ડ્રોઇંગ નકશો તૈયાર કરે, જે મુજબના ફેરફારો સાથેનો નકશો પુન: રજૂ કર્યા બાદ ફાઇનલ એનઓસી આપવામાં આવે છે. આ સમગ્ર કવાયતમાં એનઓસી મેળવવા વ્યકિતને ઓનલાઇન સહિત વડોદરા કચેરી સુધીની દોડધામ કરવાની રહે છે.