કાશ્મીરના કાયરતાપૂર્વકના હુમલાથી રાજ્યભરમાં આક્રોશ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ
કાશ્મીરના પ્રવાસે ગયેલા નિર્દોષ 28 સહેલાણીઓને આતંકવાદીઓ ગોળી મારી દીધી હતી. આંતકી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. આ કાયરતા પૂર્ણ હુમલાને વખોડી આંતકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહયા છે. ત્યારે સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસા ખાતે ગુરૂવારે વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરાયું હતું.
સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યા હતા. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. વિરપુર તાલુકાના હિન્દુ તેમજ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. મોરબીમાં વેપારીઓ અને હિંદુ સંગઠનો દ્વારા મૌન રેલી પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીની દુકાનોમાં “ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” જેવા પોસ્ટરો લાગ્યા હતા.
ગુરુવારે ઇડરના તમામ વેપારી અને લારી ગલ્લા એસોસિયેશને સજ્જડ બંધ પાડી આતંકીઓ સામે આકરા પગલાં લેવા માંગ કરી હતી. શહેરમાં મેડિકલ જેવી આવશક્ય સેવા સિવાયના તમામ ધંધા રોજગાર્થીઓ સ્વંયભૂ બંધમાં જોડાયા હતા. શહેરના હિન્દુ સંગઠનો અને વેપારીઓએ મળી સાંજે આતંકવાદીઓનું પૂતળા દહન કરી કેન્ડલ માર્ચ યોજી હતી. લોકોએ આતંકીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. આ બંધ વચ્ચે માત્ર આરોગ્ય સેવા જેવી આવશક્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. દરમિયાન ઇડરના દરામલી ગામ પણ આતંકી ઘટનાના વિરોધમાં બંધ પાળ્યો હતો.
જયારે વડાલી શહેર ગુરુવારે સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું જે હિન કૃત્ય બદલ પાલિકા નજીક ધોરીમાર્ગ પર પાકિસ્તાનના ઝંડા ચીતરી અને પુતળા દહન કરી હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. નિર્દોષ પ્રવાસીઓના મોતને લઇ વિજયનગર વેપારી મંડળ, એસોસિએશન અને લારી ગલ્લા પાથરણાવાળા તરફથી સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયના તમામ રોજગાર ધંધા સહિત બજારો બંધ રાખવામાં આવી હતી.
.આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (શુક્રવાર) ખેડબ્રહ્વામાં સંપૂર્ણપણે બજાર બંધ રાખીને શહેરમાં રેલી યોજીને તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત તલોદ અને હરસોલમાં શુક્રવારે (આજે) બજારો સદંતર બંધ પાડવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષ અને તલોદ વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે.