પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારી, BCCIએ ICCને પત્ર લખી કરી મોટી માગ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદથી પાકિસ્તાનને ભારત એક પછી એક મોટા ઝટકા આપી રહ્યું છે ત્યારે આ શ્રેણીમાં બીસીસીઆઈ પણ હવે એક મોટું પગલું ભરી રહ્યું છે. અહેવાલ અનુસાર BCCIએ આઈસીસીને પત્ર લખ્યો છે. જેમાં બીસીસીઆઈએ માગ કરી છે કે ભારત હવે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા માગતું નથી.
છેલ્લે ભારત અને પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં એકબીજાનો સામનો કર્યો હતો જ્યાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને છ વિકેટે ધૂળ ચટાડી હતી. તાજેતરના અહેવાલ અનુસાર બીસીસીઆઈએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પત્ર લખી આગ્રહ કર્યો છે કે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાનને આઈસીસીની કોઈપણ ગ્લોબલ ઈવેન્ટમાં એક જ ગ્રૂપમાં ન રાખવામાં આવે.
જો ચોખ્ખી વાત કહીએ તો બીસીસીઆઈ હવે આઈસીસી ઈવેન્ટમાં ગ્રૂપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ રમાય તેવું પણ ઈચ્છતું નથી. જોકે બંને ટીમ આઇસીસી મહિલા વન ડે વર્લ્ડકપમાં રમતી દેખાશે જેમાં પાકિસ્તાને આઠ ટીમની ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ કર્યું હતું. આઈસીસી, પીસીબી અને બીસીસીઆઈ વચ્ચે એક જૂની સમજૂતી અનુસાર પાકિસ્તાન ભારતમાં પણ કોઈ મેચ નહીં રમે. મહિલા વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં 26 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર વચ્ચે રમાવાનું છે. જોકે ભારત અને પાકિસ્તાનના ન્યૂટ્રલ વેન્યૂ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
બીજી તરફ, પુરુષોની ICC ટુર્નામેન્ટ 2026 માં યોજાશે, જ્યારે ભારત અને શ્રીલંકા ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. જોકે, બીસીસીઆઈની તાત્કાલિક ચિંતા એશિયા કપ અંગે હશે જે સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે. આ સંદર્ભમાં પહેલાથી જ એવી ચર્ચા છે કે ટુર્નામેન્ટ સંપૂર્ણપણે તટસ્થ સ્થળોએ રમાશે, જેમાં દુબઈ અને શ્રીલંકા સંભવિત સ્થળો હશે. અગાઉ, BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ પુષ્ટિ કરી હતી કે બોર્ડ ભારત સરકારના નિર્ણયનું પાલન કરશે.