રાજ્યમાં રહેલા પાકિસ્તાની નાગરિકોની ગણતરી શરૂ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનીઓને દેશ છોડવા કહી દીધું છે ત્યારે ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરાઈ છે.. કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત આવેલા પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરાઇ છે. ગૃહ વિભાગે કેન્દ્ર સરકાર પાસેથી સંકલન કરી વિગતો મેળવી છે.
ગુજરાતમાં એટીએસ, એસઓજી સહિતની એજન્સીઓને કામે લગાવાઇ છે. ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પણ શોધી કાર્યવાહી કરવા આદેશ કરાયોછે. ગૃહ વિભાગ કેન્દ્રીય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે જેટલા લોકોને દેશ છોડવાનું અલટીમેટમ અપાયું છે તે તમામને લઇને પોલીસ સતર્ક છે. . અલ્ટીમેટમ બાદ પણ જો કોઇ પાકિસ્તાની અહીંથી પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે તાબડતોબ એક્શન લેતા પાંચ મોટા નિર્ણયો લીધા છે જે આ મુજબ છે.
-પાકિસ્તાન સાથે 1960નો સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યો છે. જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આ કરાર સ્થગિત કરવામાં આવ્યો છે.
-અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે. જે લોકોએ માન્ય પરવાનગી સાથે આ માર્ગે સરહદ પાર કરી છે તેઓ 1 મે, 2025 પહેલા આ જ માર્ગે પાછા ફરી શકે છે.
-પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ જારી કરાયેલા બધા SVES વિઝા અમાન્ય ગણવામાં આવશે. SVES વિઝા પર હાલમાં ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકની અંદર દેશ છોડી દેવો પડશે.
– નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમને ભારત છોડવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
– ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પાછા ખેંચી રહ્યું છે. સંબંધિત હાઇ કમિશનમાં આ જગ્યાઓ નાબૂદ ગણવામાં આવશે.