આણંદ મનપામાં ટેકનિકલ તંત્રનો અભાવ: ઝોનિંગ ફાઈલો પુનઃ અવકુડાને મોકલાઈ
આણંદ મહાનગર પાલિકા જાહેર થયા બાદ તમામ કામગીરી એક છત્ર નીચે કરવાની બાબતમાં સરકારે અવકુડાની તમામ કામગીરી મનપામાં થશેનો ઉતાવળિયો નિર્ણય કર્યો હતો. પરંતુ મનપામાં સમાવિષ્ટ આણંદનો ડેવલપમેન્ટ પ્લાન સરકારમાં મંજૂરી અર્થ અટકયો છે. જયારે કરમસદ અને વિદ્યાનગરમાં ટીપી સહિતના ટેકનીકલ મુદ્દા વણઉકલ્યા છે. પરિણામે ઝોનિંગ અરજી મામલે કર્મચારીઓ સહિતની સીસ્ટમ ન ગોઠવાતા મનપા સ્પષ્ટપણે નકકર કાર્યવાહી હાથ ન ધરી શકયું. જેથી લગભગ અઢી માસના સમયગાળા બાદ ઝોનિંગ સર્ટિફિકેટની આશરે પ૦ અરજીઓનું પોટલું હવે પુન: અવકુડા તરફે મોકલાયું છે. હવે આ અરજીઓને નિયમોનુસાર ચકાસીને અવકુડા દ્વારા ઝોન સર્ટિફિકેટ આપવામાં આવશે.
આણંદ મનપા બન્યા બાદ અવકુડામાં થતી તમામ કામગીરીને મનપા દ્વારા હાથ ધરવામાં આવે તેવો સમગ્રતયા આયોજન કર્યા વિના નિર્ણય લેવાયો હતો. જેથી અવકુડામાં નકશા મંજૂરી, ઝોનિંગ સર્ટિફિકેટ સહિતની ફાઇલોના પોટલા સમયાંતરે મનપામાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ મનપામાં આ સમગ્ર પોટલામાં રહેલ સાહિત્યને એક બાદ એક ચકાસીને નિયમોનુસાર નિર્ણય લેવામાં આવે તેવી સીસ્ટમ કે નિયત કચેરી ઉભી કરવામાં આવી નથી.
બીજી તરફ આ સમગ્ર પ્રકિયાથી અજાણ અરજદારો અવકુડા કચેરીએ પોતાની અરજીનું શું થયું તે જાણવા અવરજવર કરતા હતા. પરંતુ હવે આ કામગીરી મનપા દ્વારા કરાશે તેવો જવાબ મળતા મનપામાં અરજદારો પહોંચતા હતા. પરંતુ મહાનગરપાલિકાનું કલેવર ધારણ કરેલ આણંદ મનપામાં નકશા મંજુરી,ઝોનિંગ સર્ટિફિકેટ સહિતની કામગીરી બાબતે અરજદારોને સ્પષ્ટ જવાબ મેળવવો મુશ્કેલ પડતો હતો. પરિણામે નિયત સમયમર્યાદામાં મોટાભાગની અરજીઓનો નિકાલ ન થઇ શકયાની સ્થિતિ ઉભી થઇ હતી. અંતર્ગત સૂત્રોનુસાર અવકુડાએ પાંચેક વર્ષ અગાઉ બનાવેલ ડેવલપમેન્ટ પ્લાનને સરકારમાંથી મંજૂરી મળી નથી. ઉપરાંત કોઇ નવી ટીપી સ્કીમ પડી નથી. વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં પણ ટીપી સ્કીમ સહિતના ટેકનીકલ મુદ્દા વણઉકલ્યા છે. બીજી તરફ ઝોનિંગ સર્ટિ. માટે અરજી કરનાર અરજદારોએ પણ વહેલી તકે સર્ટિ. મળે તેવી રજૂઆત કરી રહ્યા છે. જેથી આ અરજીઓ મનપાએ સ્વીકારવાનું બંધ કરીને કામગીરી પુન: અવકુડાને સુપ્રત કરી છે.