આણંદ મનપા વિસ્તારમાં બરફના ગોળા, આઇસ્ક્રીમ પાર્લર, શેરડીના રસના વેપારીઓ માટે ફૂડ લાયસન્સ લેવા ફરજિયાત
આણંદ મનપા વિસ્તારમાં બરફના ગોળા, આઇસ્ક્રીમ પાર્લર, શેરડીના રસના વેપારીઓ માટે ફૂડ લાયસન્સ લેવા ફરજિયાત છે. છેલ્લા પખવાડિયાથી આકરી ગરમીથી પરેશાન લોકો રાહત માટે બરફના ગોળા, આઇસ્ક્રીમ પાર્લર સહિતના સ્થળોએ ભીડ જમાવી રહ્યાનું પણ જોવા મળે છે. પરંતુ ગંભીર બાબત એ જોવા મળે છે કે આ વેપારીઓને ફૂડ લાયસન્સ ઇસ્યૂ કરવા અંગેનું કોઇ આયોજન જ મનપા દ્વારા કરવામાં આવ્યું નથી. જેથી હજી સુધી એકપણ વેપારીએ ફૂડ લાયસન્સ મેળવ્યું ન હોવાનું જાણવા મળે છે.
મનપા બન્યા બાદ ગ્રાહકોને હાઇજેનિક ખાદ્યપદાર્થ મળે છે કે કેમ તે અંગેની મનપાની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિધ પ્રકારની ક્ષતિ ધ્યાને આવતા રેસ્ટોરન્ટ, હોટેલોને દંડ સહિત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આકરાં ઉનાળાની શરુઆત સાથે જ બરફના ગોળા, આઇસ્ક્રીમ પાર્લરો મોટી સંખ્યામાં ધમધમતા થવા છતાંયે ફુડ સેફટી રજીસ્ટ્રેશન ફરજિયાત સીસ્ટમની શરુઆત થઇ નથી.
ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે લોકો ગરમીથી બચવા, કાળઝાળ બફારાથી રાહત રહે તે માટે બરફના ગોળા કે ડીશ, આઇસ્ક્રીમ આરોગતા હોય છે. ઉપરાંત ગરમીમાં સન સ્ટ્રોકનો ભોગ ન બનાય તે માટે શેરડીનો રસ કે લીબું સરબત કે સિંકજીનું મોટાભાગના લોકો સેવન કરતા હોય છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોને વાસી કે ખરાબ ખાદ્ય પદાર્થ આપવાથી રોગચાળો ફેલાવવાની સંભાવના રહેલી છે. જેથી આ તમામ વેપારીઓએ નિયમોનુસાર ફૂડ લાયસન્સ મેળવવું જરુરી છે. પરંતુ આણંદ મનપામાં અગાઉના વર્ષોથી ફૂડ ઇન્સ્પેકટરની જગ્યા ખાલી છે. સાથોસાથ ર ડેઝીગjેટેડ ઓફિસર, ર ફુડ સેફટી ઓફિસર અને ર ફૂડ ઓફિસરની જગ્યા પણ વણપૂરાયેલી છે. પરિણામે ઉનાળાની ઋતુમાં ઠંડક મેળવવા ગ્રાહકો દ્વારા ખવાતા બરફના ગોળા કે આઇસ ડીશ, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, લીંબુ સરબત હાઇજેનિક છે કે કેમ તેની ચકાસણીની તંત્ર દ્વારા કોઇ સીસ્ટમ જ ગોઠવવામાં આવી નથી.