ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર આગામી 15મી એપ્રિલના રોજ ચારુસેટ યુનિવર્સિટીની મુલાકાત લેશે
ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર આગામી 15મી એપ્રિલ 2025ના રોજ ચારુસેટ યુનિવર્સિટીની મુલાકાત લેશે. તેઓ સાંજે 4 વાગ્યે કેમ્પસ પહોંચશે. આ દરમિયાન “ચેન્જિંગ વર્લ્ડ: ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ” વિષય પર મુખ્ય પ્રવચન આપશે. પ્રવચન બાદ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સત્ર યોજાશે.
પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડો. જયશંકર 31 મે 2019થી દેશના વિદેશમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે અમેરિકા, ચીન અને ચેક રિપબ્લિકમાં ભારતના રાજદૂત તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વર્તમાનમાં તેઓ ભારતની વિદેશનીતિને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ચારુસેટ યુનિવર્સિટી માટે આ મુલાકાત એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ અને રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલના નેતૃત્વમાં મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત એવા ડો. જયશંકર પાસેથી વિદ્યાર્થીઓને મૂલ્યવાન માર્ગદર્શન મળશે.