ચીખોદરા ચોકડી પાસે ટ્રકની ટક્કરે ચીખોદરાના યુવાનનું મોત
આણંદ નજીક આવેલી ચીખોદરા ચોકડી પાસેના બ્રીજ નીચે આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી એક ટ્રકે એક્ટીવાને ટક્કર મારતા એક આશાસ્પદ યુવાન ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતુ. જ્યારે તેના મિત્રને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ચીખોદરા ખાતે રહેતા દિપ મીતેશભાઈ પટેલ (ઉ. વ. ૨૩)ને આગામી ૧૯મી તારીખના રોજ આફ્રિકા જવાનું હોય, મિત્ર દિપ ભુપેશભાઈ પટેલ સાથે આણંદ એક્ટીવા ઉપર સવાર થઈને ખરીદી કરવા માટે ગયા હતા. સાંજના સુમારે બેગ સહિત જરૂરી સામાનની ખરીદી કરીને પરત જતા હતા. સાતેક વાગ્યાના સુમારે ચીખોદરા ચોકડી પાસેના બ્રીજ નીચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રક નંબર જીજે-૧૭, ટીટી-૨૩૩૬એ ટક્કર મારતાં દિપ ભુપેશભાઈ પટેલ ઉછળીને ડાબી સાઈડે પડ્યો હતો. જ્યારે દિપ મિતેષભાઈ પટેલ ટ્રકના પાછલના વ્હીલમાં આવી જતા માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.
અકસ્માતને પગલે-પગલે રાહદારીઓ અને વાહનચાલકોનો ટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ દિપના પરિવારને થતાં જ તેઓ આવી પહોંચ્યા હતા અને ભારે રોકકડ કરી મુકી હતી. અકસ્માતના પગલે-પગલે ટ્રાફિક પણ જામ થઈ જવા પામતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત બન્ને વાહનોને સ્થળ પરથી હટાવીને ટ્રાફિક ક્લીયર કર્યો હતો.