સરકારી શાળાઓમાં જર્જરિત ઓરડાથી નવા વર્ગખંડ સુધી: પણ ગુણવત્તા ક્યાં ગૂમ થઈ જાય છે?
સરકારી શાળાઓમાં આખું વર્ષ વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી નિયમોનુસાર થાય કે નહીં પરંતુ જર્જરિત ઓરડાઓ, વર્ગખંડની વઘઘટનો મામલો વર્ષોથી જોવા મળતો હોય છે. તેમાંયે ખરેખર આખેઆખો વર્ગખંડ જર્જરિત છે કે તેનો અમુક ભાગ જ મરામત કરી શકાય તેમ હોવા અંગે કોઇ પ્રાથમિક તપાસ કરવામાં આવતી નથી. વર્ષોથી બીબાઢાળ સીસ્ટમમાં શાળામાંથી જર્જરિત ઓરડાની સંખ્યા તાલુકા, ત્યાંથી જિલ્લા અને ત્યાંથી રાજયમાં મોકલવામાં આવે છે. જર્જરિત ઓરડા ઉતારીને તેના સ્થાને નવા બનાવવાની મંજૂરી મળતા ફટાફટ કામગીરી શરુ થવા સાથે પૂર્ણ થઇને કોન્ટ્રાકટરના બીલોની ચૂકવણી પણ થઇ જાય છે. પરંતુ નવા બનાવેલા ઓરડા કેટલા વર્ષ સુધી સલામત રહેશે, ગુણવત્તાયુકત માલસામાનનો ઉપયોગ થયો છે કે કેમ તે ચકાસવાની કોઇ સીસ્ટમ અખત્યાર કરવામાં જ આવતી નથી.
જો કે હવે સરકારી પ્રાથમિક શાળાઓમાં જર્જરિત અને ભયજનક વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્વતિમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર દ્વારા તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની સરકારી પ્રા.શાળાઓના જર્જરિત, ભયજનક અને બિનપયોગી મકાન-વર્ગખંડો (પ્રિ-ફેબ પદ્વતિથી બનાવવામાં આવેલ સહિત)ને તોડી પાડવા માટે અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સમિતિ બનાવવામા ંઆવી હતી.
સમિતિમાં અધ્યક્ષપદે જિલ્લા વિકાસ અધિકારી, સભ્યપદે કાર્યપાલક ઇજનેર (મા.મ.,પંચાયત વિભાગ) અને સભ્ય સચિવ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હોય છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર શિક્ષા દ્વારા સરકારી શાળાઓમાં લોડ બેરીંગ તેમજ આરસીસી ફ્રેમ સ્ટ્રકચરના વર્ગખંડો બનાવવામાં આવે છે. જેનું આયુષ્ય ૪૦થી પ૦ વર્ષ સુધીનું હોય તે રીતે ડીઝાઇન કરવામાં આવે છે. પરંતુ રપ વર્ષ કે તેથી ઓછું આયુષ્ય ધરાવતા વર્ગખંડોને પણ તોડી પાડવા માટે ત્રણ સભ્યોની સમિતિને દરખાસ્ત કરવામાં આવે છે. ઉપરાંત સરકારની અન્ય યોજનાઓ, લોક ભાગીદારી કે દાતા દ્વારા બનાવવામાં આવેલ બાંધકામો કે જે ખરેખર વાપરવાલાયક-મરામતલાયક હોય છે તેમને પણ જર્જરિત જાહેર કરી તોડી પાડવા માટે દરખાસ્ત કરવામાં આવતી હોવાનું સમગ્ર શિક્ષા વિભાગના ધ્યાને આવ્યું છે. સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરના મતે રપ વર્ષથી ઓછા આયુષ્ય ધરાવતા વર્ગખંડો વાતાવરણની અસર અને સમયસર મરામતના અભાવના લીધે જર્જરિત જણાય છે. જેમનું આયુષ્ય મરામત દ્વારા વધારી શકાય તેમ છે. આવા વર્ગખંડો-મકાનો જર્જરિત જાહેર થવાના કારણે વર્ગખંડોની માંગ ઉત્તરોતર વધે છે અને સરકાર પર નાણાંકીય ભારણમાં વધારા સાથે રાષ્ટ્રીય મિલ્કતનું નુકસાન થાય છે.
આ સમસ્યાના નિરાકરણ માટે જિલ્લામાં પાંચ સભ્યોની પ્રાથમિક નિરીક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષપદે નાયબ કાર્યપાલક ઇજનેર (મા.મ.,પંચાયત વિભાગ) અને સભ્ય તરીકે રાજયકક્ષાએથી નિયુકત મદદનીશ ઇજનેર, જિલ્લા પ્રોજેકટ ઇજનેર, ટેકનીકલ રીસોર્સ પર્સન (સંલગj તાલુકાના) અને થર્ડ પાર્ટી ઇજનેર (જિલ્લા માટે નિયુકત થયેલ)નો સમાવેશ થાય છે. આ સમિતિ દરખાસ્ત મળેલ શાળાની સ્થળ મુલાકાત લઇને સમીક્ષા સહિતની સત્વરે કાર્યવાહી હાથ ધરશે. જેમાં વર્ગખંડ-મકાનને તાત્કાલિક સમારકામની જરુરિયાત જણાશે તો સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા શાળાને ફાળવાતી સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રકચર મેઇનટેનન્સ ગ્રાન્ટમાંથી તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરાશે. જયારે મેજર રીપેરીંગની જરુરિયાત જણાય તો શાળા દ્વારા દરખાસ્ત વાયા જિલ્લા પ્રોજેકટ કચેરી, રાજય કચેરીને મોકલવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, દર માસે પ્રાથમિક નિરીક્ષણ સમિતિના અહેવાલની સમીક્ષા કરાશે અને છેલ્લા ત્રણ માસમાં જે જે જર્જરિત મકાનો,વર્ગખંડોની દરખાસ્ત સમિતિ સમક્ષ આવી હોય તેની પણ સમીક્ષા કરવામાં આવશે.
આણંદ જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં ખૂટતા ૧૧૮૭ જેટલા વર્ગખંડોનું આગામી સમયમાં નિર્માણ હાથ ધરાશે. આ વર્ગખંડો પૈકી પ૮ શાળાઓમાં ર૮૪ જેટલા વર્ગખંડોનું નિર્માણ પૂરું કરાયું છે. જયારે ૩૧૬ વર્ગખંડોનું કામ પ્રગતિ પર છે. બીજી તરફ તાજેતરમાં ૮૮ વર્ગખંડો બનાવવા માટેના વર્ક ઓડર મળ્યા છે. જયારે ૪૯૯ જેટલા વર્ગખંડો બનાવવા માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી છે. વધુમાં નવા વર્ગખંડની સાથે જિલ્લાની આશરે ૧૭૧ પ્રાથમિક શાળાઓમાં મરામત કામગીરી ચાલી રહી છે. જેમાં ફલોરીંગ, ટોયલેટ બ્લોક સમારકામ, ઇલેકટ્રીક ફીટીંગ, વાયરીંગ, વર્ગખંડમાં કલરકામ, કમ્પાઉન્ડ વોલ, મુખ્ય દરવાજાનું રીપેરીંગ, અગાસી વોટર પ્રુફીંગ, રેમ્પ-રેલિંગ સહિતની મરામત કામગીરી ચાલી રહી છે.