હિટવેવમાં આંગણવાડીના બાળકોએ શાને ભોગ બનવું પડે?
ચરોતરમાં ચૈત્ર માસ શરૃ થતા જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગરમ પવન ના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેને લઇને રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારે ૭ઃ૦૦ થી લઈ ૧૧ઃ૩૦ ના બદલે સવારના ૭થી૧૧ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક શાળાઓમાં છ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીના બાળકો અભ્યાસ કરે છે આ બાળકોને ગરમી લાગે તો આંગણવાડીના ત્રણ વર્ષથી છ વર્ષની ઉંમરના બાળકોને હાલની કાળઝાળ ગરમી શુ નહિ લાગતી હોય? હાલની ૪૨ ડિગ્રી તાપમાનમાં આંગણવાડીના ત્રણ થી છ વર્ષના ઉંમરના બાળકોને બપોરના ૨ વાગ્યા સુધી આંગણવાડીમાં ભરાઈ રહેવું પડે છે. મહત્વની બાબત તો એ છે કે પરા વિસ્તારની આંગણવાડીમાં આંગણવાડીથી દૂર આવેલ અલગ અલગ મકાનમાંથી તેડાગર બહેન બાળકોને બોલાવી લાવે છે અને કાળઝાળ ગરમીમાં બપોરના ૨ વાગ્યા પછી બાળકોને તેઓના ઘરે મુકવા જાય છે. ત્યારે ગરમીના કારણે રસ્તાઓ સુ મસામ ભાસતા હોય છે. ગરમીમાં નાના બાળકોને આરામ કરવાના બદલે દડ મજલ કરવાની ફરજ પડે છે.
હિટ્વેવથી બચવા સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સૂચનો કરાયા છે અને કામ વગર ઘરની બહાર બપોરના ૧૧.૦૦ થી સાંજના પ.૦૦ વાગ્યા સુધી નહિ નીકળવાની ભલામણ કરાઈ છે. શ્રમિકોને પણ બપોરના સુમારે કામ નહિ કરવા અપીલ કરવામાં આવી છે અને બપોરના સુમારે ખુલ્લામાં કામ કરવાની કોઇને ફરજ પડાય નહિ તેનું ધ્યાન રાખવા સરકારી તંત્રને જોવા કહ્યુ છે ત્યારે દિવા તળે અંધારુ સરકારના આઇસીડી એસ વિભાગમાં જોવા કાળી રહ્યું છે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આંગણવાડીનો સમય સવારના ૮.૩૦ થી બપોરના ર.૩૦ વાગ્યાને રખાયો છે. આ સમય દરમિયાન ગરમીનું પ્રમાણ ચરમ સીમાએ હોય છે.