ભાજપની રણનીતિ માટે કમલમ ખાતે મોટી બેઠક: ધારાસભ્યો, પ્રમુખો અને મહાસચિવો ફરજિયાત હાજર
ગાંધીનગરમાં શનિવારે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભાજપની બેઠક મળશે, જેમાં ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવા સૂચના અપાઇ છે. બેઠકમાં રાષ્ટ્રીય મહાસચિવ અને SC મોરચાના ઇન્ચાર્જ તરૂણ ચૂંગ પણ સામેલ થશે. સાથો સાથ 13 જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને પણ બોલાવાયા છે.
સેવા પખવાડિયાની ઉજવણી માટે બેઠક બોલાવાઇ હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો કે, આગામી 14 એપ્રિલથી ભાજપ સેવા પખવાડિયાની ઉજવણી કરશે, પરંતુ 13 જિલ્લાઓના પ્રમુખોને બોલાવવામાં આવતા રાજકીય ચર્ચાઓ પણ તેજ થઈ છે, તો બીજી તરફ 15 અને 16 તારીખે રાહુલ ગાંધી પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત પ્રવાસે આવવાના છે અને જેના પહેલા કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે.
અત્રે જણાવીએ કે, ગુજરાતમાં કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવતા ભાજપ પણ વધુ ગતિએ સક્રિય થઈ છે, તો બીજી તરફ ભાજપે જિલ્લા અને તાલુકા અને શહેર પ્રમુખોની પણ જાહેરાત કરી દીધી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપને નવા પ્રમુખ પણ ગમેત્યારે મળી શકે છે. કારણે કે, સી આર પાટીલ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થવા માંગ છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેને લઈ પણ ભાજપની ગલીઆરીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.