ગુજરાતમાં શ્રમિકો પાસે બપોરે 1થી 4 કામ નહીં કરાવી શકાય, આકરી ગરમીના કારણે સરકારનો આદેશ
ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીને કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળા દરમિયાન કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો છે.
શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર અનુસાર, બપોરે 1:00 થી 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ના કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં માથે સીધો તાપ અસર કરે તેવા સ્થાનો પર કામગીરી ના કરાવવાનું પણ આદેશમાં જણાવ્યું છે. શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આ આદેશનું પાલન તમામ લોકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાના અંતથી જ કાળઝાળ ગરમી પડતાં શ્રમ આયોગની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલના હજુ બે સપ્તાહ પણ પૂરા થયા નથી ત્યાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. ગુરૂવારે (10મી એપ્રિલ) કંડલા એરપોર્ટ 46 ડિગ્રીની આગ વરસાવતી ગરમીમાં શેકાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના તાપમાનમાં સળંગ ચોથા દિવસે વધારો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના મતે પણ રવિવાર સુધી ગરમીમાં આંશિક ઘટાડો થશે. પરંતુ સોમવારથી ફરી ગરમીનું પ્રમાણ વધવા લાગશે.