એમજીવીસીએલ દ્વારા જિલ્લામાં 1 હજાર કરોડના ખર્ચ ૧ હજાર મેગા વોટના સુપરવાઇઝીંગ કંટ્રોલ સીસ્ટમ (સ્કાડા) પ્રોજેકટનો આરંભ
આણંદ જિલ્લામાં શહેરોની સાથોસાથ મોટાભાગના ગામડાઓનો વ્યાપ,વિસ્તાર વધી રહ્યો છે. જેના કારણે વિવિધ પ્રકારે વીજ માંગમાં વધારો થયો છે. સાથોસાથ કુદરતી કે માનવસર્જીત ક્ષતિઓના કારણે વીજ સપ્લાયમાં ભંગાણ, ડીપી કે વાયરો સહિતના વીજ સાધનોમાં ક્ષતિના કારણે વીજ પ્રવાહ અવરોધાતો હોવાની સમસ્યા પણ જોવા મળે છે. જિલ્લાના તમામ ક્ષેત્રના વીજ ગ્રાહકોને વીજ પુરવઠો સતત મળતો રહે, કોઇપણ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવી શકાય તે માટે એમજીવીસીએલ દ્વારા જિલ્લામાં એક હજાર કરોડના ખર્ચ ૧ હજાર મેગા વોટના સુપરવાઇઝીંગ કંટ્રોલ સીસ્ટમ (સ્કાડા) પ્રોજેકટનો આરંભ કરનાર છે.
આણંદ જિલ્લામાં હાલ પ૦થી વધુ ૬૬ કેવી વીજ સબ સ્ટેશન છે. જયાં ઓછો લોડ હોય ત્યાં ૧૦ મેગા વોટ અને વધુ હોય ત્યાં રપ મેગા વોટના ટ્રાન્સફોર્મરનો તંત્ર દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના તમામ પ્રકારના વીજ ગ્રાહકોને એક જ ઓપરેટીંગ સીસ્ટમથી જોડવા માટે સ્કાડા પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવનાર છે. જેના માટેનો જરુરી સર્વ સહિત આગામી સમયમાં વીજ માંગમાં થનાર વધારો વગેરે બાબતો અંગેનો સર્વ પૂર્ણ કરાયો છે.
એમજીવીસીએલની મુખ્ય કચેરીએ પહોંચાડાયેલ સર્વનો તજજ્ઞો અભ્યાસ કરીને જિલ્લામાં તેના અમલીકરણ માટેની કામગીરી આગામી સમયમાં હાથ ધરશે. આ પ્રોજેકટ અંતર્ગત મોટાભાગે આણંદ શહેરમાં મુખ્ય કંટ્રોલરૂમ ઉભો કરાશે. જેમાં અત્યાધુનિક કિંમતી સાધનો સાથેનું રીંગ મેન યુનિટ ઉભું કરવામાં આવશે. જેના થકી સમગ્ર જિલ્લામાં વીજ પ્રવાહ સપ્લાય અને તેમાં થતી વઘઘટને આંગળીના ટેરવે કમ્પ્યુટરના સ્ક્રીન પર જોઇ શકાશે.
નોંધનીય છે કે સ્કાડા પ્રોજેકટ શરુ થયા બાદ જિલ્લામાં કોઇ સ્થળે ડીપી કે વીજ વાયર તૂટી જવાથી પુરવઠો અવરોધાય તો કંટ્રોલ રૂમને તેની જાણ થતા તે વિસ્તારનું ફીડર બંધ કરીને નજીકના અન્ય ફીડરમાંથી આપોઆપ વીજ સપ્લાય ચાલુ કરવામાં આવશે. જેથી મોટાભાગે વીજ ગ્રાહકોને વીજ કાપની પરેશાની ન અનુભવવી પડે. વધુમાં કંટ્રોલરૂમ દ્વારા વીજ સપ્લાય દરમ્યાન ઉભા થયેલા ફોલ્ટને શોધીને તેનું સત્વરે નિરાકરણ માટેની પ્રકિયા પણ હાથ ધરવામાં આવશે. જેથી વીજ ફોલ્ટ શોધવા જે તે સ્થળે લાઇનમેન, સુપરવાઇઝર પહોંચવા દરમ્યાનના સમયનો બચાવ થશે.
આણંદ શહેર, જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી હીટ વેવના કારણે સૌ કાળઝાળ ગરમી અનુભવી રહ્યા છે. જેના કારણે વીજ માંગમાં વધારો થયો છે. રાત્રિના સમયે વીજ માંગમાં વધારો થવાના પગલે દિવસે અંદાજે ૭૦ હજાર લોકો વાપરે તેટલી વધુ વીજળી શહેરીજનો રાતના સમયે વાપરતા હોવાનું જોવા મળે છે. આણંદ જિલ્લામાં શિયાળા, ચોમાસામાં દૈનિક સરેરાશ રપ૦ મેગા વોટની વીજ માંગ-વપરાશ થાય છે, જે હાલ પ્રતિદિન વીજ માંગ ૩ર૧ મેગા વોટ થઇ છે. વીજ સૂત્રોનુસાર લાંબા સમય પછી હીટ વેવના કારણે જિલ્લામાં વીજ વપરાશ પખવાડિયામાં રથી ૩ ટકા જેટલો વધ્યો છે. વીજળીની માંગમાં વધારો થયો હોવા છતાં તેના ઉપયોગ પર નિયંત્રણો લાદયા વિના પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જો કે હીટ વેવ વધતા વીજ માંગમાં હજુ પણ વધારો થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. નોંધનીય છે કે, ગરમીની અસર દિવસ બાદ રાત્રે વધુ વર્તાય છે. જેમાં એસી, કૂલર અને પંખાનો વપરાશ થતો હોવાથી રાતે વીજ માંગમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સાંજે ૬થી ૮ના પીક અવરમાં સૌથી વધુ વીજ ખપત થાય છે. ત્યારબાદ રાત્રિના ૧ર કલાક બાદ વીજ માંગમાં ક્રમશ: ઘટાડો જોવા મળે છે. જિલ્લામાં ખેડૂતોને સવારે ૬થી સાંજે ૬-૩૦ સુધીના સમયમાં જુદા જુદા વીજ સબ સ્ટેશનો દ્વારા ગૃપ બનાવીને ખેતી માટે વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોર્મશિયલ વીજ સપ્લાય પણ રાત્રે બંધ હોય છે. રહેણાંક અને ઔદ્યોગિક માટે વીજ પુરવઠો સતત રહેતો હોય છે.