બોરસદમાં બનાવટી એલસી રજૂ કરીને દાખલા મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું
બોરસદ: બોરસદમાં બનાવટી એલસી રજૂ કરીને દાખલા મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. બોરસદ શહેરની પ્રાથમિક કુમાર શાળાના બનાવટી સહી સિક્કા વાળા એલસી મામલતદાર કચેરીમાં રજૂ કરી ઓબીસીના દાખલા મેળવવા નું રેકેટ બહાર આવતા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ગત તારીખ છઠ્ઠી માર્ચના રોજ બોરસદની મામલતદાર કચેરીમાં સમાન ગુરઅલી શેખનું આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે શેખ ઇમામ સાહેબ સુભાન સાહેબનું એલસી અને નાજનીન સાજીદ મિયાં મલેકનો ઓબીસીનો દાખલો લેવા માટે સાજીદનીયા બદરુદ્દીન મિયા મલેકે બોરસદ પ્રાથમિક કુમાર શાળા બ્રાન્ચ-૨ના એલ.સી રજૂ કર્યા હતા. જેની ખરાઈ કરવા માટે મામલતદાર કચેરી દ્વારા એલ.સી સ્કૂલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે શાળાના આચાર્ય જીગરભાઈ જયંતીભાઈ મેકવાને રેકોર્ડ તપાસતા તેમની શાળા દ્વારા આવા કોઈ એલસી ઇસ્યુ નહીં કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.
તેઓએ મામલતદાર કચેરીમાં રિપોર્ટ કર્યો હતો અને તપાસ કરતા ઉક્ત બંને વ્યક્તિની સાથે આરીફિયા સૈયદ નામનો શખ્સ પણ દાખલા લેવા માટે બોરસદની મામલતદાર કચેરી ખાતે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ઇમામ સાહેબ, સાજીદ મિયાં મલેક અને આરીફ મીયા સૈયદે બનાવટી એલસી બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હોવાનું ખુ લતા આ અંગે શાળાના આચાર્ય જીગરભાઈ મકવાને બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇમામ સાહેબ શુભાન સાહેબ શેખ, સાજીદ મિયાં બદરૂદ્દીન મલેક તથા આરીફ ભાઈ સૈયદ તમામ રહે બોરસદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.