આણંદ વેબસાઈટના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમતો ઉમરેઠનો શખ્સ ઝડપાયો
આણંદ : આણંદના વિદ્યાનગર ખાતેથી પોલીસે હાલ ચાલી રહેલી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર વેબસાઈટના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમી રહેલા ઉમરેઠના એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂપિયા ૩૧,૨૦૦નો મુદ્દા માલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સ તથા સટ્ટો રમવા માટે આઈડી પાસવર્ડ આપનાર ત્રણ મળી કુલ ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
વિદ્યાનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાતે યુવક વિદ્યાનગરના ભાઈકાકા સર્કલથી એનસીસી કેન્ટિન તરફ જવાના માર્ગ ઉપર મોબાઈલના માધ્યમથી આઈપીએલની હૈદરાબાદ અને લખનૌની મેચ ઉપર વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે શખ્સને ઝડપી તેની પૂછપરછ કરતા તે મૂળ ઉમરેઠનો રહેવાસી અને આઈસીઆઈસી બેંકમાં નોકરી કરતો ષિ અતુલભાઇ શાહ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ તથા રોકડા રૂપિયા ૧૨૦૦ મળી રૂપિયા ૩૧૨૦૦નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. વધુ પુછપરછમાં બાકરોલ ખાતે રહેતા ઈકબાલહુસેન યુસુફ મિયા મલેક, મીત અતુલભાઇ ચૌહાણ રહે. ડાકોર અને જાની શેખ રહે. ખેડાવાળા પાસેથી આઈડી પાસવર્ડ મંગાવી ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચારે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.