આણંદના ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સીલ
આણંદ : આણંદના આઝાદ મેદાન પાસે ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સ બંને એકમોમાં હાઈજિન અને સ્વચ્છતાનો અભાવ જણાતા સીલ કરાયા છે. આણંદ મનપાની ટીમની તપાસમાં બંને સ્થળે વેફર બનાવવાના કેળાં બગડેલા જણાયા, ઉંદરની અવરજવર પણ જોવા મળી.
આણંદના આઝાદ મેદાન પાસે મણીબેન એસ્ટેટમાં આવેલી ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સ ખાતે આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી, વાયરિંગ ખુલ્લુ, ઉંદરની અવરજવર જોવા મળી હતી. ચીમનીનો ધુમાડો પણ બીજાના ઘરમાં જતો હતો, ખુલ્લા વાયર પર તેલ- માટીનો થર જામીર ગયેલો હતો.
ઉપરાંત વધુ તપાસમાં જે કેળામાંથી લાઈવ વેફર્સ બનાવતા હતા તે કેળા બગડી ગયેલા માલૂમ પડયા હતા.
મહાનગરપાલિકાની આરોગ્યની ટીમે બિલકુલ હાઈજિન ન હોવાથી અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોવાના કારણે તાત્કાલિક અસરથી ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સ બંનેને કાયદાની જોગવાઈને આધીન સીલ કરવામાં આવી છે. ત્યારે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઈજિન અને સ્વચ્છતા રાખે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.