આણંદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટા પાયે નાશ કરાયો છત્રીસ લાખઉપરાંતની કિંમતની 19 હજાર બોટલો નષ્ટ કરાઇ
આણંદ: આણંદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) સામે કડક કાર્યવાહી કરતી પોલીસની ટીમે મોટી સંખ્યામાં દારૂનો નાશ કર્યો છે. આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જી.જી. જસાણી સાહેબની સુચનાથી સ્વચ્છતા અભિયાનના અનુસંધાનમાં આ દારૂ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આણંદ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનો અને આણંદ રેલવે પોલીસ સ્ટેશનના ગુનાના કેસોમાં કબજે કરાયેલા દારૂના નાશ માટે સબંધીત કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ, કાયદેસરની પ્રક્રિયા મુજબ તા. ૨૮ માર્ચ ૨૦૨૫ના રોજ બેડવા ગામની સીમમાં, એક્સપ્રેસ હાઈવે નજીક સરકારી જગ્યામાં આ નાશક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં રૂ. ૩૬,૮૨,૬૨૪/- ની કુલ ૧૯,૫૪૫ વિભિન્ન બ્રાન્ડની દારૂની બોટલો, કાયદેસર રીતે નષ્ટ કરવામાં આવી હતી.
આ નાશક્રિયા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડો. મયુર પરમારની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી. કમીટીના અન્ય સભ્યોમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક ડી.જે. વાનાણી, તેમજ આણંદ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનોના ઈન્ચાર્જ અધિકારીઓ સામેલ રહ્યા હતા. આ કાર્યવાહીથી આણંદ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને વિતરણ સામે કડક સંદેશો ગયો છે. પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવા અભિયાન ચલાવવામાં આવશે, જેથી કાયદાનું પાલન અને સમાજમાં સ્વચ્છતા જળવાઈ રહે.