આણંદ મહાનગરપાલિકાની ત્વરિત કાર્યવાહી: બે લાઈવ વેફર્સ યુનિટ સીલ
આણંદ: મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાની સુચનાને અનુસરીને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો પર જાહેર સ્વચ્છતા અંગે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આઝાદ મેદાન પાસે મણીબેન એસ્ટેટમાં આવેલી “ખુશ્બુ લાઈવ વેફર્સ” અને “જય જલારામ લાઈવ વેફર્સ” પર તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી, ઉંદરની અવરજવર, ખુલ્લું વાયરીંગ, ધૂળધક્કા, તેમજ ચીમનીના ધૂમાડા અન્ય ઘરોમાં જતા હોવા જેવી તકલીફો સામે આવી હતી. સાથે જ, વપરાતા કેળાં બગડેલા હોવાનું પણ માલુમ પડ્યું હતું.
જાહેર આરોગ્યને જોખમને ધ્યાને લઈને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક જીપીએમસીની કલમ 376-A હેઠળ બંને યુનિટ સીલ કરી દીધી છે.
શહેરીજનોની આરોગ્ય સુરક્ષા માટે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજીન અને સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. મહાનગરપાલિકા દ્વારા આવા દુકાનદારો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે.