સુરતમાં બિલ્ડરને ગોંધી રાખી મિલકત પચાવવાની ગંભીર ઘટના
સુરત: શહેરના લાલગેટ-રાણીતળાવ વિસ્તારમાં બિલ્ડરને ગોંધી રાખી જબરદસ્તી મિલકત હડપવાની ચકચારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ, બિલ્ડર મોહમદ ઉમર મહોમ્મદ ઝુબેર પિલાને કથિત નાણાંકીય લેતીદેતીના હિસાબ માટે કોંગ્રેસના પૂર્વ મહામંત્રી રઉફ બોમ્બેવાલા સહિત છ-સાત લોકોએ બોલાવી ગોંધી રાખ્યા હતા. અલગ-અલગ ત્રણથી ચાર ઠેકાણે લઈ જઈ તેને બેઝબોલના ફટકાથી માર મારવામાં આવ્યો. આ ઉપરાંત, બિલ્ડર પાસેથી બે ફ્લેટ સહિતની મિલકત, કોરા ચેક પર સહી અને બે લાખથી વધુના દાગીના પડાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
બિલ્ડર મોહમદ ઉમરે 2018માં લાજપોરની જમીનનો સોદો કર્યો હતો, જેમાં 7 કરોડ ચૂકવ્યા છતાં કબ્જો મળ્યો નહીં. નાણાંકીય તંગી વચ્ચે 2019માં કોંગ્રેસના પૂર્વ મહામંત્રી રઉફ બોમ્બેવાલા હસ્તક સોએબ મેવાવાલા પાસેથી 15% વ્યાજે દોઢ કરોડ રૂપિયાનો ઉધાર લીધો. ઉમર આ રકમ હપ્તા પેટે ચૂકવતો રહ્યો, પરંતુ સોએબે પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી. રાણીતળાવના સાદ પેલેસના ફ્લેટનો કબ્જો મહેતાબ ભૈયાને અપાવી દેવામાં આવ્યો.
2023ના એપ્રિલમાં હિસાબ કરવાના બહાને સોએબે ઉમરને યાકુબ સોનાની ઓફિસે બોલાવ્યો, જ્યાં ઉસામા નાલબંધ, રઉફ બોમ્બેવાલા, મેહતાબ ભૈયા અને અન્ય સાગરિતોએ બિલ્ડરને બેઝબોલના ફટકા વડે માર માર્યો. બાદમાં તેને અડાજણ, બોમ્બે કોલોની અને ઝાંપાબજારના રૂમમાં ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો. લાલગેટના સાદ પેલેસના બે ફ્લેટ્સ યાકુબના સાગરિત આસીફ હકીમ (હકીમચીચી)ના નામે ફેરવવામાં આવ્યા.
બાદમાં, ઉમરને ફરી યાકુબની ઓફિસે લઈ જઈ માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના ઘરે લઈ જઈ પરિવારના સભ્યોના નામના બેન્ક એકાઉન્ટના સહીવાળા કોરા ચેક, પાસપોર્ટ અને 2 લાખ રૂપિયાના દાગીના પડાવી લેવામાં આવ્યા. જો કોઈને જાણ કરવામાં આવશે તો પરિવારને પણ તારા જેવી હાલત કરીશું, તેવી જીવલેણ ધમકી આપવામાં આવી.
હાલ પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.