આણંદ એસ.ઓ.જી.ની સફળ કાર્યવાહી: ગેરકાયદેસર ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપાયો
આણંદ: શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં, એસ.ઓ.જી. (Special Operation Group) આણંદની ટીમે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં કુલ 1.461 કિલોગ્રામ ગાંજો, રોકડ રકમ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
આણંદ એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે વડોદ ઇન્દીરા નગરીમાં રહેતા સલીમશા ઉર્ફે અરુથન અકબરશા કદવાન પોતાના રહેઠાણેથી ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરે છે. બાતમી હકીકત જણાતા એસ.ઓ.જી.ના અધિકારીઓએ સ્થળ પર દરોડો પાડ્યો હતો અને આરોપીને રંગે હાથ પકડી પાડ્યો. હતો અને તેની પાસેથી : 1.461 કિલોગ્રામ ગાંજો કિંમત: રૂ. 14,610, રોકડ રકમ: રૂ. 310, મોબાઇલ ફોન: 1 કિંમત: રૂ. 3,000 કબ્જે લીધો હતો.
આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. પટેલ, પો. સબ-ઇન્સ્પેક્ટર એસ. ઓ. ચૌધરી, તથા S.O.G. ટીમના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આરોપી વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાણ કરવા પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ
આણંદ પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાગરિકોને પણ અનુરોધ કરવામાં આવે છે કે જો તેમને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાણ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરી સમાજને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપે.