આણંદ મહાનગરપાલિકાના કમિશ્નરે જી.યુ.ડી.સી.ના અધિકારી અને ટાટા કન્સલ્ટીંગ એન્જીનીયર્સના પ્રતિનિધિઓને પ્લાન્ટ કાર્યરત કરવા આપી હતી ૨૦ દિવસની મહેતલ
ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની, ગાંધીનગર દ્વારા બાકરોલ ખાતે ૬.૫૦ એમ એલ ડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થયો ન હતો આ પ્લાન્ટ ખાતે ઇનલેટ-આઉટલેટ પેરામીટર્સ બતાવતા ન હતા, ગ્રીટ મીકેનીઝમ રીમ્વુલ કાર્યરત ન હતુ, આર.એ.એસ. અને એસ.એ.એસ. પંપ ચાલુ ન હતા, ક્લોરીન એનાલીસીસ થતુ ન હતુ, સ્કાડા સીસ્ટમ ચાલુ ન હતી અને તેના રીપોર્ટ પણ જનરેટ થતા ન હતા, કેમીસ્ટ લેબોરેટરી પણ ન હતી જે ટાટા કન્સલ્ટીંગ એન્જીનીયર્સ દ્વારા મહાનગરપાલિકા ખાતે જાણ કરવામાં આવી હતી. જેના કારણે બાકરોલ અને તેની આજુબાજુના વિસ્તાર, બાકરોલ ગામ તળ વિસ્તાર ગટરની સુવિધાથી વંચિત હતા, તેમને ગટર લાઈન મળી શકતી ન હતી.
આ વાતની જાણકારી આણંદ મહાનગરપાલિકાના કમિશ્નર મિલિંદ બાપનાને થતા તેમણે જી.યુ.ડી.સી., ગાંધીનગરના અધિકારીઓને આણંદ ખાતે બોલાવીને આ પ્લાન્ટ ચાલુ કરવા બાબતે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. કમિશનરે જી.યુ.ડી.સી.ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બાકરોલ ખાતેનો આ એસટીપી પ્લાન્ટ કાર્યરત કરવા માટે ૨૦ દિવસની મેહતલ આપી હતી. જો બાકરોલ ખાતેનો આ એસટીપી પ્લાન્ટ યોગ્ય રીતે કાર્યરત કરવામાં નહીં આવે તો એજન્સી વિરુદ્ધ સરકારમાં કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.
બાકરોલ ખાતે તૈયાર કરવામાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મેન્ટેનન્સ અને મોનેટરીંગ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ જીયુડીસી કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો રીતસરનો ઉધડો લેતા આ પ્લાન્ટ ચાલુ કરવા બાબતે જરૂરી કાર્યવાહી કરી કાર્યરત કરવામાં આવ્યો છે અને આના કારણે બાકરોલ ગામ તળ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોને ગટર લાઈન મળી શકશે, ઉપરાંત આ પાણી ટ્રીટ કરીને કાંસમાં છોડવામાં આવે છે, જેના લીધે અન્ય લોકોને પણ ફાયદો થશે, તેમ આણંદ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.