બાળક હેમખેમ મળી આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો
સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં નવજાત બાળકની ઉઠાંતરીનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. 21 માર્ચ શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી હતી. ઘટના બાદ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી.
બાળકની ચોરીનો સીસીટીવી ફૂટેજ મળ્યા ત્યારે હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ હરકતમાં આવી, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમે હોસ્પિટલમાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા. જેમાં એક અજાણી મહિલા બાળકને લઈને જતી નજરે પડી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે મહિલાને નવાગામથી બાળક સાથે ઝડપી પાડી, જેના કારણે પરિવારે રાહતનો શ્વાસ લીધો. હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, પાંડેસરા બમરોલી રોડ પર રહેતી 23 વર્ષીય સંધ્યા ધીરજ શુક્લાને પ્રસૂતિના દુખાવા બાદ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સાંજના સમયે તેમને બાળકને જન્મ આપ્યો હતો અને વધુ સારવાર માટે બીજા માળે દાખલ કરાયા હતા.
મૃતકના ભાઈ ત્રિલોકેશ શુક્લાએ જણાવ્યું કે, બાળકનો જન્મ સાંજે 7:00 વાગ્યે થયો હતો. પિતા અને પરિવારજનો થોડા સમય માટે બહાર ગયેલા, અને તે દરમિયાન એક અજાણી મહિલાએ તેમના સગા સાથે વાતચીત કરીને તેમને કાપડ લેવા મોકલ્યા. ત્યાર બાદ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બાળક ગાયબ હતું.
રાત્રે 9 વાગ્યે મહિલાએ બાળકને થેલામાં નાખી હોસ્પિટલમાંથી નીકળી જતા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. પરિવારજનો અને હોસ્પિટલ તંત્રે તાત્કાલિક તપાસ શરૂ કરી અને પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને નવાગામ વિસ્તારમાં મહિલા સુધી પહોંચી, જ્યાં બાળકને સહી-સલામત બચાવી લેવાયું.
આ ઘટનાએ નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો સવાલ ઉઠાવ્યો છે. અગાઉ પણ આવા બનાવો બન્યા હોવા છતાં, સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પરિવારજનો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે જ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા, અને સુરક્ષાને લઈને ચર્ચા થઈ હતી. તેમ છતાં, રાત્રે જ બાળક ચોરી થવાની ઘટના સામે આવતા હોસ્પિટલના વહીવટકર્તાઓ પર સવાલો ઊભા થઈ રહ્યાં છે.
પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે અને હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્રએ સુરક્ષા વધારવા માટે નવા ઉપાયો અપનાવવાની જરૂર છે.