દેશભરના યુવકોમાં વિદેશ જવાની ઘેલછા વધી રહી છે, અને તે જ રીતે વડોદરાનો એક યુવક પણ વિદેશ ગયો હતો. પરિવારનો દાવો છે કે, કતાર સ્ટેટ સિક્યોરિટી દ્વારા તેને છેલ્લા 80 દિવસથી ગોંધી રાખવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાનો અમિત ગુપ્તા કતારમાં આનંદ મહિન્દ્રાની કંપનીમાં હેડ તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ, છેલ્લા 3 મહિનાથી પરિવારનો તેના સાથે કોઈ સંપર્ક થયો નથી. પરિવારજનોનો આરોપ છે કે, કતાર સ્ટેટ સિક્યોરિટી દ્વારા 10 જાન્યુઆરીની રાત્રે અમિતની ધરપકડ કરવામાં આવી હતી. તે હોટેલમાં જમવા ગયો હતો અને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે સિવિલ ડ્રેસમાં અધિકારીઓએ તેને રોકી, ગાડીમાંથી ઉતાર્યો અને તેની ધરપકડ કરી.
અમિતની માતાએ આ ઘટના અંગે જણાવ્યું કે, “મારા દીકરાને 10 જાન્યુઆરીએ પકડી લેવામાં આવ્યો છે. તેનો મોબાઈલ, પૈસા પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી ફક્ત એક જ વાર અમને વાતચીત કરવાની તક મળી છે. એ વખતે અમિત રડતો હતો અને કહી રહ્યો હતો કે, ‘પપ્પા, મેં કંઈ નથી કર્યું, મને બચાવી લો’. 4×4 ની કોટડીમાં એને આટલા દિવસથી રાખવામાં આવ્યો છે, અમને ઊંઘ પણ નથી આવતી.”
અમિતના પિતાએ જણાવ્યું કે, “મારા દીકરાને છોડી મુકવામાં આવે. તે મહિન્દ્રા કંપનીમાં ખૂબ જ મહેનત કરે છે અને ઈમાનદાર છે. કંપનીએ બે વકીલ રાખ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. અમે ભારત સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છીએ.”
નોંધનીય છે કે, અમિતની પત્ની અને બે દીકરા છે. તે પહેલા મહિન્દ્રા કંપનીમાં કામ કરતો હતો. જોકે, અત્યાર સુધી કંપનીના સંચાલકો દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેમજ, ભારત સરકાર અને કતારમાં ભારતીય રાજદૂત દ્વારા માત્ર “પ્રયાસ કરી રહ્યા છીએ” તેવી જ પ્રતિક્રિયા આપવામાં આવી છે.આ કેસમાં પરિવારે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ બનાવવા માટે અપીલ કરી છે. જો કે, હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી. વધુ અપડેટ માટે જોડાયેલા રહો.