વડોદરામાં બે સ્થળોએ આગની ગંભીર ઘટનાઓ
વડોદરામાં આજે વહેલી સવારે બે અલગ-અલગ સ્થળોએ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. એક ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત થયું છે, જ્યારે બીજું સ્થળ SRP ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં વિકરાળ આગથી અસરગ્રસ્ત થયું છે.
સયાજીપુરામાં મકાનમાં આગ: 43 વર્ષીય વ્યક્તિનું કરૂણ મોત
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં વિનાયક સોસાયટીના બી ટાવર-505માં આકસ્મિક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણાનો આગમાં સળગી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, મૃતકની પત્ની રોજની જેમ નોકરી પર ગયા હતા અને માત્ર 10 મિનિટ બાદ આ દુર્ઘટના બની.
ફાયર બ્રિગેડની પાણીગેટ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાની તપાસમાં લાગી છે. આ દુર્ઘટનાનું કારણ શું હતું, તે અંગે તપાસ ચાલુ છે.
મકરપુરામાં SRP ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ
વડોદરાની બીજી મોટી આગ મકરપુરા વિસ્તારના SRP ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડો દૂરથી જોવા મળતો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથધરવામાં આવ્યા છે. સ્ટોરરૂમમાં રહેલા માલસામાનને ભારે નુકસાન થયું હોવાની શક્યતા છે. હાલ કોઈ જાનહાનિની માહિતી મળી નથી.
વડોદરામાં એક જ દિવસમાં બે અલગ-અલગ આગની ઘટનાઓ શહેરીજનો માટે ચિંતાનો વિષય બની છે. સત્તાધીશો આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અર્બનગુજરાતની સાથે.