કેમેરાનું બોર્ડ લગાવતા યુવકને કરંટ લાગતા થયું મોત
માતર, શુક્રવાર :: માતર મેન બજારમાં એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં ભગવતી ડેરી દૂધની દુકાનમાં કેમેરાનું બોર્ડ લગાવતી વખતે 20 વર્ષીય યુવક ઉમંગભાઈ જયંતીભાઈ પ્રજાપતિને અચાનક કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
ઉમંગભાઈ પ્રજાપતિ, જે માતર ગામમાં વાયરમેન તરીકે કામ કરતા હતા, ખોખા બજાર સ્થિત ભગવતી ડેરી દૂધની દુકાનમાં કેમેરા ફીટીંગ માટે બોર્ડ લગાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘવાયા. તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
યુવાનના અચાનક નિધનના સમાચાર મળતાં માતર બજારમાં શોક છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. પરિવારજનોને આ દુઃખદ સમાચાર મળતાં તેઓ ગમગીન બન્યા.
માતર સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને વીજસંબંધિત કોઈ લાપરવાહી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનું માહોલ ઉભો કર્યો છે.