ઠંડીના વાતાવરણમાં હૃદયની કેવી રીતે કાળજી રાખવી, ડોક્ટર કહે છે આ 12 સાવચેતી રાખો
શિયાળાની ઋતુમાં હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આવું એટલા માટે થાય છે, કારણ કે ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આ તે લોકો માટે વધુ ખતરનાક બની શકે છે જેમને પહેલાંથી જ હૃદયરોગ અથવા હૃદય સંબંધિત કોઈ બીમારી છે.
પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકોને પહેલાંથી જ હૃદયની બીમારી છે તેમનામાં ઠંડીમાં હાર્ટ-એટેકનું જોખમ 31% વધી જાય છે, તેથી શિયાળાની ઋતુમાં હૃદયને વિશેષ કાળજીની જરૂર છે.
તો આજે તબિયતપાણીમાં આપણે શિયાળામાં હૃદયની સંભાળ કેવી રીતે રાખવી એ વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે…
- શા માટે ઠંડા હવામાનમાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધારે થાય છે?
- ઠંડીમાં હૃદય સંબંધિત કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે?
- શિયાળામાં હૃદયની સંભાળ રાખવા માટે શું સાવચેતી રાખવી જોઈએ?
દર વર્ષે વિશ્વમાં હૃદયરોગના કારણે 2 કરોડ મૃત્યુ થાય છે વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર, સમગ્ર વિશ્વમાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે દર વર્ષે 2 કરોડથી વધુ લોકો મૃત્યુ પામે છે. મતલબ કે દર 1.5 સેકન્ડે એક વ્યક્તિ હૃદય સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, હૃદય સંબંધિત સમસ્યાઓ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વર્ષ 2019માં આના કારણે લગભગ 1.79 કરોડ લોકોનાં મોત થયાં હતાં. આમાંથી 85% મૃત્યુ હાર્ટ-એટેક અને સ્ટ્રોકને કારણે થયાં હતાં.
અમેરિકન હાર્ટ એસોસિયેશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વર્ષ 2016માં ભારતમાં હૃદયરોગથી પીડિત લોકોની સંખ્યા 5.4 કરોડ હતી. આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.
સૌથી વધુ હાર્ટ-એટેક ડિસેમ્બર મહિનામાં આવે છે વર્ષ 2018માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ પ્રકાશિત થયો હતો. આ અભ્યાસમાં 1998 અને 2013 વચ્ચેના 16 વર્ષમાં સ્વીડનમાં થયેલા હાર્ટ-એટેકના કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં સંશોધકોએ જોયું કે દર વર્ષે શિયાળાની ઋતુમાં હાર્ટ-એટેકના કેસમાં 15%નો વધારો થયો હતો. માત્ર 24 ડિસેમ્બરે ક્રિસમસના આગલા દિવસે હાર્ટ-એટેકમાં 37% વધારો થયો હતો.
અમેરિકન હાર્ટ એસોસિયેશનના જર્નલ ‘સર્ક્યુલેશન’માં વર્ષ 2004માં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. આ અભ્યાસ કહે છે કે અમેરિકામાં આખા વર્ષ દરમિયાન હાર્ટ-એટેકથી એટલાં મૃત્યુ નથી થતાં જેટલા એકલા 25 ડિસેમ્બરે થાય છે. આ પછી હાર્ટ-એટેકના કારણે સૌથી વધુ મૃત્યુ 26 ડિસેમ્બર અને ત્યાર બાદ 1 જાન્યુઆરીએ નોંધાયાં છે.