આણંદ-બોરસદ પંથકમાં વીજ ચોરી સામે વિજિલન્સની કાર્યવાહી, 19 ઝડપાયા
આણંદ સહિત બોરસદ પંથકમાં વીજ ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે વિઝીલન્સ ટીમોએ ફરિયાદોના પગલે બોરસદ, આણંદ શહેરમાં દરોડા પાડીને કુલ 19 વીજ ચોરોને રંગેહાથ ઝડપી પાડીને 2.31 લાખ દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળુ સિઝન ગરમીમાં લાઇટ બીલ બચાવવા વીજ ધારકોને વીજ ચોરીના નુશખા અપનાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે આણંદ જિલ્લા વીજતંત્રએ વીજ ચોરી અટકાવવા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં વિજીલન્સની 14 જેટલી ટીમોએ આણંદ શહેર, બોરસદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો હતો. જેમાં કોમર્સીયલ,ઔદ્યોગિક અને ખેતી વિષયક અને રહેણાંક મળી કુલ 298 વીજ મીટરની ચકાસણી કરાઇ હતી. જેમાં ડાયરેકટ લંગર નાખવું, મીટરમાં ચેડા કરવા,જેવી જુદા જુદા નુશખાઓ અપનાવી વીજ ચોરી કરતા 19ને રંગેહાથ ઝડપી પાડયા હતા.તંત્રએ કુલ 2459 યુનિટની વીજ ચોરી થઇ હોવાનું સાબિત થતા રૂ.2.31 લાખ ઉપરાંત માતબર રકમનો દંડ ફટકાર્યો છે.