પેટલાદની ઈશિતા હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ મામલે આરોગ્ય વિભાગના દરોડા
આણંદ : પેટલાદની ઈશિતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે ગર્ભપરીક્ષણ મુદ્દે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું જણાઈ આવતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરી દેવા સાથે રેકોર્ડ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
આણંદ જિલ્લામાં હોસ્પિટલો દ્વારા બાળકોનું ગર્ભ પરીક્ષણ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આણંદ જિલ્લામાં પીસી એન્ડ પીએનટીડી ભંગ થાય છે કે કેમ તે અંગે તપાસ કરવા ડૉક્ટરોની ટીમ બનાવીને ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે ડૉક્ટરોની ટીમે આકસ્મિક રીતે પેટલાદ ખાતેના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર જે.કે. વાઘેલાની ઈશિતા હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે ઈશિતા હોસ્પિટલમાં પીસી એન પીએનડી એક્ટનો ભંગ થતો હોવાનું માલુમ પડયું હતું. જેથી તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતેનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે અને જરૂરી રેકોર્ડ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પીયુષ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદની ઈશિતા હોસ્પિટલમાં સરકારના નિયમો વિરુદ્ધ જઈને ગર્ભવતી મહિલાઓના ગર્ભમાં બાબો છે કે બેબી તે બાબતનું પરીક્ષણ ડોક્ટર દ્વારા ગેર કાયદેસર રીતે કરવામાં આવતું હતું. જેથી આરોગ્ય વિભાગ દરોડા પાડતા એક મહિનાના રેકોર્ડમાં કોઈપણ માહિતી મળી આવી ન હતી. ડોક્ટર દ્વારા ગર્ભ પરીક્ષણ કર્યા પછી તેના કોઈપણ રેકોર્ડ રાખવામાં આવ્યા ન હતા. જે ગંભીર ગુનો હોવાથી એમનું મશીન સીલ કરવામાં આવ્યું હતું અને રેકોર્ડ કબજે કરવામાં આવ્યા હતા.