અમૂલ ચૂંટણીનો ઘમાસાણ શરૂ: 1258 મંડળીઓના ઠરાવ બાદ ત્રિપાંખીયા જંગની ચમક
આગામી જુલાઇ કે ઓગષ્ટ પ્રથમ સપ્તાહમાં અમૂલ ડેરીના નિયામક મંડળની 12 બેઠકો ચૂંટણી લઇને રાજકીય તેમજ સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો વ્યાપી ગયો છે. શનિવાર મતદાન માટે ઠરાવ કરવાનો છેલ્લો દિવસ હતો. જેને લઇને સરકારી આગેવાનો છેલ્લી ઘડીએ ઠરાવ કરવા માટે દોડાદોડી કરતાં જોવા મળ્યાં હતા. ઠરાવની કામગીરી પૂર્ણ થતાં મૂરતિયાઓ દ્વારા હાલમાં પોતાની તરફેણમાં મંડળીઓનું મતદાન થાય તે માટે અત્યારથી પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.જો કે સાંજ સુધી 1258 મંડળીના ઠરાવ આવી ગયા હોવાનું જાણવા મળેલ છે.
આ ઠરાવની કામગીરી પૂર્ણ થયા બાદ અમૂલ દ્વારા તેની ચકાસણી કરીને નક્કી કરેલા માપદંડના આધારે મતદારયાદી તૈયાર કરવામાં આવશે. તે બહાર પાડયા બાદઅને વાંધા અરજી મંગાવીને દૂર કર્યા બાદ અમૂલની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર ચે. આ વખતે પણ અમૂલ ડેરીની ચૂંટણી બ્લોકવાઇઝ જ કરવામાં આવનાર છે. જેમાં આણંદ જિલ્લામાં આણંદ, ખંભાત, બોરસદ અને પેટલાદ તેમજ ખેડા જિલ્લામાં ઠાસરા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, માતર, નડિયાદ તેમજ વિરપૂરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ બેઠકો ઉપર સૌથી વધુ આણંદ બેઠક પર 118 મતદારો છે. જ્યારે પેટલાદ બેઠક પર 90 મતદારો છે.
આ વખતે ચૂંટણી લડવા માગતા ઉમદેવારોએ જે તે દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને સભ્યોનો સંપર્ક કરી પોતાની તરફેણમાં મતદાન કરે તેવા જ નામનો ઠરાવ કરાવ્યાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જેને લઇને અત્યારથી કાવાદાવા શરૂ થઇ ગયા છે. આ વખતે પણ અમૂલની ચૂંટણી હાઇવોલ્ટેજ ડ્રામા સમાન બની રહેવાની સંભાવના છે. ભાજપના વર્તમાન ચેરમેનનું અને બીજુ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના જૂથ અને કોંગ્રેસ સમર્પિત ઉમદેવારોની પેનલ વચ્ચે ખરાખરીને જંગ જામશે.