જિલ્લા ગ્રાહક કમિશનમાં ઓનલાઈન ફરિયાદ ફરજિયાત: ગ્રાહકો માટે નવી ચિંતાઓ
ગ્રાહકોના હિતને થતું નુકસાન અટકાવવા જિલ્લાસ્તરે કાર્યરત ગ્રાહક તકરાર નિવારણ કમિશન(ગ્રાહક કોર્ટ) દ્વારા ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હવે સરકાર અને ગ્રાહક કમિશનના મનઘડંત નિર્ણયના કારણે ગ્રાહક સુરક્ષા-જાગૃતિની ચળવળને આકરો ફટકો પડયાની સ્થિતિ ઉદ્દભવી છે. નેશનલ ઇન્ફોમેર્ટીક સેન્ટર, દિલ્હી દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદી ગ્રાહકોએ તમામ ફરિયાદ ઓનલાઇન ઇ-જાગૃતિ પોર્ટલ ઉપર ફરજિયાત કરવાનો આદેશ કર્યો છે.
આ સ્થિતિના કારણે સામાન્ય ગ્રાહક ફરિયાદો કરવા ઝડપથી આગળ આવી ન શકે, ફરિયાદો દાખલ ન કરી શકે, ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થાય અને કદાચ મુશ્કેલી વેઠીને ગ્રાહક ફરિયાદ કરવા આગળ આવે તો સમય, શ્રમ, શકિત અને વધુ નાણાં ખર્ચવાની સ્થિતિનો પણ સામનો કરવો પડે તેમ છે. તેમાંયે મોટાભાગના ગ્રાહકો સુધી ઓનલાઇન ફરિયાદ કરવાના આદેશની જાણ પહોંચી નથી. જેના કારણે આ મહિનાથી અમલી બનેલ આદેશ બાદ આણંદ જિલ્લા કોર્ટમાં એકપણ ઓનલાઇન ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળે છે.
અત્યાર સુધી વ્યવસ્થા એવી હતી કે, ફરિયાદી ગ્રાહકોએ પોતાની ફરિયાદ અરજી અને તેના સમર્થનમાં તમામ દસ્તાવેજી પુરાવાઓને પેજ નંબર આપીને, સોગંદનામા ઉપર ઇન્ડેકસ સાથે ફરજિયાત ત્રણ ફાઇલોમાં તેમજ તમામ સામાવાળાઓના સેટ સાથે કરવી પડતી હતી. હવે ફરિયાદી ગ્રાહકોએ ફરજિયાત આ તમામ સેટ ઇ-જાગૃતિ પોર્ટલ ઉપર ફરજિયાત ઓનલાઇન ફાઇલીંગ કરવાનું રહેશે. જાગૃતજનોના મતે સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ગ્રાહકોને ફરિયાદ કરવામાં વધુ સુવિધા આપવાના બદલે અવિચારી અને અયોગ્ય નિર્ણય કરીને અરજદારોની મુશ્કેલીઓ વધારી છે. ઉલ્લેખનીય છે કે,ફરિયાદો દાખલ કરવા ઓનલાઇન અને ફીઝીકલ ડોકયુમેન્ટ આપવાની જોગવાઇ સામે ફરિયાદી ગ્રાહકો અને વકીલોમાં અસંતોષ વ્યાપ્યો છે. સરકારના આદેશના કારણે ફરિયાદો દાખલ કરવા ગ્રાહકો આગળ ન આવે તેવા પ્રતિકૂળ સંજોગો સર્જાયા છે. ત્યારે મામલો વધુ ગંભીર બને તે અગાઉ ફરિયાદી ગ્રાહકને સરળતા રહે તે દિશામાં સરળ વિકલ્પ આપવામાં આવે તેવી માંગ થવા પામી છે.
સામાન્ય ગ્રાહકોને ફરિયાદ દાખલ કરવા સમય અને ખર્ચમાં વધારો થશે : નિયત ૧૦ એમ.બી.ની મર્યાદા હોવાથી ઓનલાઇન ફરિયાદ એડમીટ કરાવવામાં અસહ્ય મુશ્કેલી પડશે
જિલ્લા ગ્રાહક કોર્ટમાં શહેરોની સાથે ગ્રામ્ય કક્ષાના ગ્રાહકો પણ પોતાની સાથે થયેલ છેતરપિંડી કે ગ્રાહક તરીકેના નુકસાન અંગે અરજી કરીને ન્યાય મેળવતા હતા. પરંતુ હવે ઓનલાઇન અરજી ફરજિયાત કરાતા ગ્રાહકોને ફરિયાદ દાખલ કરવા વધુ મહેનત કરવી પડશે. સામાન્ય ગ્રાહકોને ફરિયાદ દાખલ કરવા તમામ દસ્તાવેજો, ફરિયાદ અરજી સ્કેન કરવા વધુ મહેનત અથવા સાયબર કાફેમાં નાણાં ખર્ચવાની ફરજ પડશે. આ ઉપરાંત ફરિયાદ અરજી, દસ્તાવેજો વધુ પ્રમાણમાં હોવાની સામે નિયત ૧૦ એમ.બી.ની મર્યાદા હોવાથી ઓનલાઇન અરજી એડમીટ કરાવવામાં અસહ્ય મુશ્કેલી પડશે. મતલબ કે ગ્રાહકોને ફરિયાદો કરવામાં સરળતાના બદલે સખત મુશ્કેલીઓ ભોગવવી પડશે. જેના કારણે નાની-નાની ફરિયાદો કરવાનું ગ્રાહકો ટાળે તેવી પરિસ્થિતિ સર્જાશેની સંભાવના વ્યકત થઇ રહી છે.
રાજયમાં ૩૭ ગ્રાહક કોર્ટોમાં હાલ માત્ર ૧૦ જજ, આવતા મહિને ૪ નિવૃત થશે : બે મહિનાથી ઓનલાઇન પોર્ટલની કામગીરીના કારણે પેન્ડીંગ અરજીઓનો નિકાલ વિલંબિત થયો : આણંદ જિલ્લા કોર્ટ
આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કચેરીના અધિકારિક સૂત્રોનુસાર ઇ-જાગૃતિ પોર્ટલની છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી કામગીરી ચાલી રહી હતી. જેના કારણે અરજીઓની ઓનલાઇન નોંધણી, જજમેન્ટ અપલોડ સહિતની પ્રકિયામાં ખાસ્સો વિલંબ થયો છે. હવે અગાઉની પેન્ડીંગ અરજીઓ સહિતની કામગીરીને ઓનલાઇન કરવામાં ખાસ્સો સમય નીકળી જશે. હવે ઓનલાઇનની નવી સીસ્ટમમાં અરજદારે કરેલ ઓનલાઇન અરજીને ગ્રાહક કોર્ટના જજ દ્વારા ચકાસવામાં આવશે. ત્યારબાદ યોગ્ય જણાશે તો ફીજીકલ કોપી મંગાવવામાં આવશે. વધુમાં જાણવા મળ્યાનુસાર મોટા શહેરોમાં રથી ૩ અને અન્ય જિલ્લા સ્તરે ૧ મળીને રાજયમાં કુલ ૩૭ જેટલી ગ્રાહક કોર્ટોમાં હાલ ૧૦ જજ ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી ૪ જજ આગામી મહિને નિવૃત થનાર છે. જજ સહિતની જગ્યાઓની છેલ્લા ઘણા સમયથી ઘટ હોવા છતાંયે પૂરતું મહેકમ ઉપલબ્ધ કરવાની દિશામાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવતો નથી. ઉલ્લેખનીય છે કે, આણંદ ગ્રાહક કોર્ટમાં પણ નડિયાદ ગ્રાહક કોર્ટના જજ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે.